18 January, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPની દાદરની ઑફિસ વસંત સ્મૃતિમાં દેવેન્દ્ર ફડણવીસ નવા કૉર્પોરેટરો સાથે. તસવીર: સૈયદ સમીર અબેદી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BMCની ચૂંટણીમાં મળેલા વિજય વિશે ગઈ કાલે કહ્યું હતું કે અમને મળેલો ૪૫ ટકા વોટ-શૅર એક નિર્ણાયક જનમતનું ઉદાહરણ છે.
દાદરમાં આવેલી BJPની ઑફિસ વસંત સ્મૃતિમાં નવા ચૂંટાયેલા કૉર્પોરેટરો અને પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઘણા લોકો કહે છે કે ૨૦૧૭માં તમે ૮૨ સીટ જીત્યા અને આ વખતે ૮૯ જીત્યા છો તો એમાં ખાસ કંઈ અચીવમેન્ટ ન કહેવાય. જોકે હકીકત એ છે કે ૨૦૧૭માં આપણે બધી ૨૨૭ બેઠક પર લડીને ૮૨ જીત્યા હતા અને આ વખતે ફક્ત ૧૩૫ પર લડીને ૮૯ જીત્યા છીએ. શિવસેના (UBT) આપણા કરતાં વધુ ૩૦ સીટ પર લડી, પણ એનો વોટ-શૅર માત્ર ૨૭ ટકા છે. આ સ્પષ્ટપણે આપણને મળેલો મૅન્ડેટ દર્શાવે છે.’
વોટ-શૅરની સાથોસાથ BJP અને શિવસેના (UBT)ના સ્ટ્રાઇક-રેટમાં પણ ઘણો ફરક છે. BJPની ૮૯ સીટ છે અને ઉદ્ધવ ઠાકરેને ૬૫ બેઠક મળી છે એ જોતાં તફાવત માત્ર ૨૪ સીટનો લાગે, પણ BJPએ ૧૩૭માંથી ૮૯ સીટ ૬૫ ટકા જેટલા સ્ટ્રાઇક-રેટથી જીતી છે, જ્યારે ૧૬૩ બેઠક પર લડીને ૬૫ સીટ જીતેલી શિવસેના (UBT)નો સ્ટ્રાઇક-રેટ ૪૦ ટકા જેટલો છે. એકનાથ શિંદેની શિવસેનાનો સ્ટ્રાઇક-રેટ તો માત્ર ૩૨ ટકા જેટલો છે, કારણ કે ૯૦માંથી એને માત્ર ૨૯ બેઠક મળી છે.
અમૃતા ફડણવીસ પતિની સફળતાથી ખુશખુશાલ, કહ્યું... દેવેન્દ્રજીને મેં મહારાષ્ટ્ર માટે સોંપી દીધા છે
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો લહેરાવનાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રયત્નોને તેમનાં પત્ની અમૃતા ફડણવીસે વખાણ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં અમૃતાએ જણાવ્યું હતું કે ‘હું ચૂંટણીનાં પરિણામોથી ખુશ છું. નરેન્દ્ર મોદીના વિઝન માટે હું તેમનો આભાર માનું છું. તેમના વિઝનનું પાલન BJPના કાર્યકર્તા સ્તરથી લઈને દેવેન્દ્રજી સુધી કરવામાં આવ્યું હતું. જોકે સાચા હીરો મતદારો છે. તેમણે વિકાસની રાજનીતિ અને ભાગલાની રાજનીતિ વચ્ચે સ્પષ્ટ તફાવત બતાવ્યો છે.’ અમૃતા ફડણવીસે ગર્વથી કહ્યું હતું, ‘દેવેન્દ્રજીને મેં મહારાષ્ટ્ર માટે સોંપી દીધા છે અને એ બાબતે હું ખૂબ ગર્વ અનુભવું છું અને ખુશ છું. દેશના વિકાસ માટે માત્ર એક દેવેન્દ્રજી નહીં, પણ દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. વધુ લોકોએ રાજનીતિમાં જોડાઈને વિકાસનાં કામ કરવાં જોઈએ.’