06 October, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવામાન ખાતાએ પહેલાં જ કરેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસું નબળું રહેતાં જોઈએ એટલો વરસાદ ન પડતાં દુકાળની પરિસ્થિતિ ન ઉદ્ભવે એટલા માટે મહારાષ્ટ્ર સરકારે આખા મહારાષ્ટ્રના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો છે. આ પાણીકાપ ૧૬ ઑક્ટોબરથી લાગુ થશે એવી માહિતી ગઈ કાલે મહારાષ્ટ્રના જળસ્રોત ખાતાના પ્રધાન ગિરીશ મહાજને આપી હતી.
રાજ્યના તમામ ડૅમમાં પાણીનું સ્તર કેટલું છે અને કેટલો ઉપયોગ થાય છે એ વિશે વિસ્તૃત જાણકારી મેળવીને યોજના તૈયાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નિવેદન ગિરીશ મહાજને આપ્યું હતું. રાજ્યમાં આગામી ચોમાસું ન બેસે ત્યાં સુધી દુકાળની પરિસ્થિતિ ન જન્મે અને ૨૦૨૭ની ૩૧ ઑગસ્ટ સુધી લોકોને પાણી મળી રહે એ વાતને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પાણી લીક થતું રોકો, સીવેજ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ બધા જ તૈયાર રાખો
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફક્ત પાણીકાપ લાદવા ઉપરાંત બધાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશનોને એમના વિસ્તારોમાં જ્યાં-જ્યાં પાણીનું ગળતર થતું હોય કે બગાડ થતો હોય એ રોકવા માટે પગલાં લેવાનો તથા તમામ સીવેજ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમની ફુલ કૅપેસિટીમાં કામ કરી શકે એ રીતે તૈયાર રાખવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે જેથી ટ્રીટમેન્ટ બાદ સ્વચ્છ કરાયેલા પાણીને વપરાશમાં લઈ શકાય. જોકે પીવાના પાણીનો બગાડ ન થાય અને લોકો સુધી એને ઉપલબ્ધ કરાય એ વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
બધા જ ડિપાર્ટમેન્ટ લાગ્યા કામે
પાણીનો બગાડ ન થાય, રીસાઇક્લિંગ વગેરે બધી જ બાબતો માટે સરકારના બધા જ ડિપાર્ટમેન્ટને તૈયારી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ માટે જળસ્રોત ખાતું, મહેસૂલ ખાતું, કૃષિ ખાતું, ઉદ્યોગ તથા શહેરી વિકાસ વિભાગને એકમેક સાથે સુમેળ સાધીને કામ કરવાનો આદેશ આપી દેવાયો છે અને આ દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગેરકાયદે રીતે ડૅમ, નદીઓ અને નહેરોમાંથી પાણી ઉલેચનારાઓ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે અને એમના પમ્પ સહિતનાં ઉપકરણો જપ્ત કરીને દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ડસ્ટ્રીઓને પણ ૩૦ ટકા પાણી રીસાઇકલ કરવાની સૂચના
નિવેદનમાં જણાવાયા મુજબ બધી જ ઇન્ડસ્ટ્રીઓને એ લોકો જેટલું પણ પાણી ઉપયોગમાં લે એનું ૩૦ ટકા પાણી રીસાઇકલ કરે એવી સૂચના આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીઓ ઉપરાંત બધાને જ પાણીનો થાય એટલો ઓછો ઉપયોગ કરવાની તથા બગાડ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.