✕

ટાલ પર વાળ ઉગાડવાનો ખોટો દાવો: મહારાષ્ટ્રના FDAએ ૫૦ લાખ રૂપિયાનું આયુર્વેદિક તેલ જપ્ત કર્યું

07 November, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર જાહેરાતો કરીને વેચવામાં આવતું હતું : પ્રોડક્ટ પર મૅન્યુફૅક્ચરરનું નામ કે લાઇસન્સ નહોતું : બ્યુટી સલૂનમાંથી ૫૦૪૦ બૉટલનો જથ્થો પકડી પાડ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટાલ પર ફરી નવા વાળ ઉગાડી આપવાનો ભ્રામક દાવો કરનારા આયુર્વેદિક હેર ઑઇલ સામે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)એ લાલ આંખ કરી છે. મહારાષ્ટ્ર FDA દ્વારા ૫૦.૩૫ લાખ રૂપિયાની કિંમત ધરાવતી આયુર્વેદિક હેર ઑઇલની ૫૦૪૦ બૉટલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
સત્તાવાર નિવેદન અનુસાર FDAના નાશિક ડિવિઝને પાંચમી નવેમ્બરે ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ ૧૯૪૦ હેઠળ એક બ્યુટી સલૂન અને ઇમિટેશન જ્વેલરીના બિઝનેસ પરિસરમાં તપાસ રીને આ કાર્યવાહી કરી હતી.
વી એસ હેર ગ્રોથ ઑઇલના નામે માર્કેટિંગ કરવામાં આવતી આ પ્રોડક્ટનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આક્રમક રીતે પ્રમોશન કરવામાં આવતું હતું. જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ તેલ ટાલ ધરાવતા લોકોના માથા પર ફરી વાળ ઉગાડી શકે છે અને વાળનો ગ્રોથ વધારે છે.
તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે પ્રોડક્ટના લેબલ પર માર્કેટિંગ ફર્મનું નામ, બૅચ-નંબર, મૅન્યુફૅક્ચરિંગ તારીખ અને ૧૦૦ મિલીલીટરની બૉટલ માટે ૯૯૯ રૂપિયાની મહત્તમ રીટેલ કિંમત લખેલી હતી. જોકે એના પર વાસ્તવિક મૅન્યુફૅક્ચરરનું નામ, સરનામું કે મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ-નંબર જેવી પ્રાથમિક વિગતો સુધ્ધાં દર્શાવવામાં આવી નહોતી.

આ બિઝનેસના માલિક યોગેશ ભગત પાસે આ આયુર્વેદિક પ્રોડક્ટ માટે જરૂરી મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ કે અન્ય કોઈ કાનૂની પરવાનગી નહોતી. આ નકલી તેલ અસલમાં કોણ બનાવી રહ્યું હતું એ શોધવા માટે FDA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને સેફ, ક્વૉલિટીવાળા અને ભેળસેળરહિત ખાદ્ય પદાર્થો મળી શકે એ માટે સજાગ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યમાં એમના દરેકેદરેક કુલ ૭ વિભાગોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં મીઠાઈ, દૂધની આઇટમો, ફરસાણ, ખાવાનું તેલ, હોટેલ, રેસ્ટોરાં અને કેટરર્સ તેમ જ ફૂડ-આઇટમ મૅન્યુફૅક્ચરર્સ, સ્ટૉકિસ્ટ અને રીટેલરની એસ્ટૅબ્લિશમેન્ટની ૪ અને પાંચ નવેમ્બરે ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત મુંબઈ, કોકણ, પુણે, છત્રપતિ સંભાજીનગર, નાગપુર અને અમરાવતી વિભાગમાં કુલ મળીને ૧૦૫ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને ૭ એસ્ટૅબ્લિશમેન્ટને ધંધો જ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એમાં બોરીવલી-વેસ્ટની રાજધાની બિરયાની સેન્ટરનો પણ સમાવેશ થતો હતો. 
ચમકારા ૧૦૫ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં. એમાં નાશિકમાં ૩૯, મુંબઈમાં ૨૮, અમરાવતીમાં ૧૫, છત્રપતિ સંભાજીનગરમાં બે અને થાણેમાં એક લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
૭ એસ્ટૅબ્લિશમેન્ટને ધંધો બંધ કરવાનો આદેશ અપાયો. એમાં પુણેમાં ૩, અમરાવતીમાં બે, મુંબઈ એક અને કોકણના એક એસ્ટૅબ્લિશમેન્ટનો સમાવેશ થતો હતો. 
૬૯ એસ્ટૅબ્લિશમેન્ટમાંથી ૧,૩૫,૭૦,૦૯૮ રૂપિયાના ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. 
પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો (ગુટકા)નો ૭,૯૬,૨૬૫ રૂપિયાનો સ્ટૉક જપ્ત કરવામાં આવ્યો. આ સંદર્ભે ૩ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

maharashtra news food and drug administration tukaram mundhe borivali indian food mumbai food mumbai news mumbai