ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ કવર મળશે

08 August, 2026 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જન્માષ્ટમી પહેલાં મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વની યોજના પર મારી મહોર

ફાઇલ તસવીર

આવતા મહિને ગોકુળાષ્ટમી દરમ્યાન દહીહંડીની ઉજવણી થાય એ પહેલાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના ૧.૬૦ લાખ ગોવિંદાઓ માટે ખૂબ જ મહત્ત્વનો અને તેમના હિતનો નિર્ણય લીધો છે. સરકારે મંજૂર કરેલી યોજના અનુસાર દહીહંડીમાં ભાગ લેનારા દરેક ગોવિંદાને મહત્તમ ૧૦ લાખ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ કવર આપવામાં આવશે. માનવપિરામિડ બનાવીને પોતાનો જીવ જોખમમાં મૂકતા ગોવિંદાઓ આ દરમ્યાન ઈજાગ્રસ્ત થાય તો તેમને સરકારી હૉસ્પિટલોમાં મફતમાં સારવાર આપવાનો નિર્ણય પણ લેવામાં આવે છે. જોકે હજી સુધી કઈ કંપનીને આ ઇન્શ્યૉરન્સ આપવા માટે પસંદ કરવામાં આવી છે એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં એ અસ્પષ્ટ છે.

આ યોજના અંતર્ગત જો કોઈ ગોવિંદા દહીહંડી દરમ્યાન અકસ્માતમાં મૃત્યુ પામે તો તેના કુટુંબીજનોને ૧૦ લાખ રૂપિયા ઇન્શ્યૉરન્સ પેટે ચૂકવવામાં આવશે. જો બન્ને હાથ, બન્ને પગ કે પછી બન્ને આંખો ગુમાવે તો પણ તેમને આ રકમ ચૂકવવામાં આવશે.

એક હાથ કે પગ ગુમાવ્યો તો પાંચ લાખ રૂપિયા મળશે, હૉસ્પિટલનો એક લાખ રૂપિયાનો ખર્ચ પણ અપાશે

દહીહંડી દરમ્યાન જો કોઈ ગોવિંદા એક હાથ કે એક પગ અથવા એક આંખ ગુમાવશે તો તેને વળતર પેટે પાંચ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. કોઈ ગોવિંદાને ઈજાને કારણે કાયમી ખોડખાંપણ કે ખોટ રહી જાય તો તેને પણ ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત ગોવિંદાને જો હૉસ્પિટલમાં ખર્ચ થાય તો એક લાખ રૂપિયા સુધીનું વળતર પણ આપવામાં આવશે. 

dahi handi janmashtami maharashtra government mumbai news Mumbai