રેલવે પાસનું શું? હવે એની મચમચ

10 August, 2021 08:15 AM IST  |  Mumbai | Viral Shah

રેલવે કહે છે કે અમને વિશ્વાસમાં લીધા વગર મુખ્ય પ્રધાને ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી દીધી. જ્યારે સુધરાઈના કમિશનર કહે છે કે રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તૂતૂમૈંમૈં વચ્ચે લોકોએ લોકલ ટ્રેનનો પાસ કઈ રીતે મેળવવો એ હજી અસ્પષ્ટ

વૅક્સિનેટેડ મુંબઈગરો ફરી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે, એ નક્કી તો થઈ ગયું પણ પાસનું શું એની ચર્ચા વચ્ચે ટિકિટ ચેક કરી રહેલો ટીસી

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જે લોકોને રસીના બન્ને ડોઝ લઈને ૧૪ દિવસ થઈ ગયા હોય એવા મુંબઈગરાઓને ૧૫ ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે આને માટે પાસ કઈ રીતે મળશે એને લઈને આમઆદમીમાં જોરદાર મૂંઝવણ જોવા મળી હતી. બીજી બાજુ, મુંબઈમાં સરકારના આદેશનું પાલન જેણે કરવાનું છે એ સુધરાઈને પણ આ બાબતે ગઈ કાલે સાંજ સુધી કોઈ ગાઇડલાઇન્સ આપવામાં આવી નહોતી. જોકે સુધરાઈનું કહેવું છે કે એકાદ-બે દિવસમાં સ્પષ્ટતા થઈ જશે કે લોકોએ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પાસ ક્યાંથી અને કઈ રીતે મેળવવાનો રહેશે.

બીજી બાજુ રેલવેના રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવેએ સીએમની જાહેરાત બાદ સ્પષ્ટ કરી દીધું હતું કે ‘લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા આવનાર દરેક પ્રવાસીનો ક્યુઆર-કોડ અમે સ્કૅન નથી કરવાના. દરેક રેલવે-સ્ટેશનના એન્ટ્રી પૉઇન્ટ પર સ્થાનિક પ્રશાસને એ કામ કરવાનું રહેશે, કારણ કે પાસ કે એના સંબંધિત ડેટા બધું રાજ્ય સરકાર પાસે છે. અમારી પાસે આ બાબતની વિગતો ન હોવાથી આ કામ અમે કઈ રીતે કરી શકીએ. જો રાજ્ય સરકારે રેલવે સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હોત તો બધા માટે એ સરળ થાત.’

જોકે ગઈ કાલે સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે રાઉસાહેબ દાનવેના આક્ષેપો બાબતે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘રાઉસાહેબ દાનવેના સ્ટેટમેન્ટ પર હું કંઈ બોલવા નથી માગતો. અમે બધાને વિશ્વાસમાં લઈને જ આ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર અને ડિવિઝનલ રેલવે મૅનેજર ગયા ગુરુવારે મારી ચેમ્બરમાં આવ્યા હતા અને અમે એક કલાક લોકલ ટ્રેન શરૂ કરવા બાબતે ચર્ચા કરી હતી. અમારે લોકલ શરૂ કરવા પહેલ કરવી જોઈએ એવું તેમણે અમને કહ્યું હતું. રેલવે પાસે અત્યારે જે સ્કૅનર છે એનો જ ઉપયોગ કરીને મુંબઈગરાને આપવામાં આવનારા પાસને સ્કૅન કરી શકાશે એવી પણ અમારી આ મીટિંગમાં ચર્ચા થઈ હતી. આ ચર્ચાની માહિતી મુખ્ય પ્રધાનને આપ્યા બાદ તેમણે આ જાહેરાત કરી છે.’

આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે સુધરાઈના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને સરકાર તરફથી આ બાબતે હજી કોઈ ગાઇડલાઇન્સ મળી નથી, પણ એકાદ દિવસમાં એ આવવાની ગણતરી છે. અત્યારે આવશ્યક સેવાવાળાઓને જે યુનિવર્સલ પાસ આપવામાં આવ્યા છે એનો જ ઉપયોગ કરવામાં આવશે કે પછી બીજી કોઈ વ્યવસ્થા તેમણે કરી છે એની અમને જાણ નથી, પણ જો યુનિવર્સલ પાસની જ સિસ્ટમ વાપરવાની હશે તો એને માટે સૉફ્ટવેર અપડેટ કરાવવું પડશે, કારણ કે એમાં વૅક્સિનેશન સહિત બીજી અમુક માહિતીઓને સમાવવામાં નથી આવી. રેલવે-સ્ટેશનની બહાર ક્યુઆર-કોડ સ્કૅન કરવા બાબતે પણ અત્યારે અમારી પાસે કોઈ ઇન્સ્ટ્રક્શન નથી.’

કેટલા લોકો કરી શકશે લોકલ ટ્રેનનો સત્તાવાર પ્રવાસ?

અત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં કુલ ૨૩.૯૦ લાખ લોકોએ બન્ને ડોઝ લીધા છે; જેમાંથી મુંબઈના ૧૫.૧૦ લાખ, ૭.૪૪ લાખ થાણેના (જેમાં થાણે શહેર, કલ્યાણ-ડોમ્બિવલી, બદલાપુર, મીરા-ભાઈંદર, નવી મુંબઈ અને ભિવંડીનો સમાવેશ છે) અને બાકીના ૧.૩૫ લોકો પાલઘર જિલ્લાના છે. હવે આ સંખ્યામાંથી મુંબઈના ૮.૭૮ લાખ, થાણેના ૪.૨૨ લાખ અને પાલઘરના ૮૦,૦૦૦ લોકો ૧૮થી ૬૦ની ઉંમરના છે. આ ૧૪ લાખ લોકોમાં અડધોઅડધ તો મહિલાઓ છે અને ૧.૮૬ લાખ લોકો એવા છે જેમણે બીજો ડોઝ ૨થી ૮ ઑગસ્ટ વચ્ચે લીધો છે અને એમાંના મોટા ભાગના ૧૮થી ૬૦ વર્ષની ઉંમરના છે. એને જોતાં કેટલા પ્રવાસી લોકલ ટ્રેનનો સત્તાવાર પ્રવાસ કરી શકે છે એ જોવાનું રસપ્રદ રહેશે. સામાન્ય સંજોગોમાં ૮૦ લાખ લોકો દરરોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે, પણ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ્યારે પહેલી લહેર ઓસરી ગઈ હતી ત્યારે ૪૦ લાખ જેટલા લોકોએ રોજનું લોકલ ટ્રેનમાં ટ્રાવેલિંગ શરૂ કરી દીધું હતું. રેલવેની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો વગર ટિકિટે પ્રવાસ કરતા જોવા મળે છે. હવે આવતા અઠવાડિયાથી આ લોકોમાંથી જેના વૅક્સિનના બન્ને ડોઝ પૂરા નથી થયા એ લોકો કઈ રીતે લોકલમાં પ્રવાસ કરશે એને લઈને ચિંતામાં મુકાઈ ગયા છીએ.’

70000000 - વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેએ છેલ્લા ચાર મહિનામાં વગર ટિકિટે પ્રવાસ કરનારા લોકો પાસેથી વસૂલ કરેલા દંડના રૂપિયા.

mumbai mumbai news mumbai local train indian railways uddhav thackeray brihanmumbai municipal corporation viral shah