બૉમ્બે હાઈ કોર્ટના જજને હવે મળતા ફ્રી ઇલેક્ટ્રિસિટીના યુનિટ બમણા કરવામાં આવ્યા

25 May, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે જજ પણ AC, ડિશ વૉશર વગેરે વાપરે છે એટલે વર્ષના ફ્રી યુનિટની સંખ્યા ૨૦,૦૦૦ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટના જજ આધુનિક ઇલેક્ટ્રૉનિક્સ ગૅજેટ્સ વાપરતાં હોવાથી તેમને આપવામાં આવતા ઇલેક્ટ્રિસિટીના ફ્રી યુનિટની સંખ્યા પહેલાં જે વર્ષેદહાડે ૧૦,૦૦૦ યુનિટ હતી એ વધારીને ૨૦,૦૦૦ યુનિટ કરવામાં આવે એવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. છેલ્લે ૧૯૯૪માં એમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટ અને એની નાગપુર, ઔરંગાબાદ, ગોવા અને કોલ્હાપુર બેન્ચ મળીને કુલ ૭૮ જજ અત્યારે કાર્યરત છે. બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ અને અત્યારે સુપ્રીમ કોર્ટના જજ દીપાંકર દત્તાએ એક કાર્યક્રમમાં થોડા વખત પહેલાં આવી માગણી કરી હતી. 
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈના સત્કાર સમારંભમાં દીપાંકર દત્તાએ કહ્યું હતું કે ‘વાર્ષિક ૧૦,૦૦૦ ફ્રી યુનિટનો નિર્ણય છેક ૧૯૯૪માં લેવામાં આવ્યો હતો. જોકે હવે જજના ઘરમાં પણ AC, ડિશ વૉશર, વૉશિંગ મશીન વગેરે વપરાય છે. એથી એની ૧૦,૦૦૦ની લિમિટ વધારીને ૨૦,૦૦૦ થવી જોઈએ. એ સિવાય જજને મહિનાનું ૨૦૦ લીટર પેટ્રોલ અપાય છે એ ઘણી વખત વપરાતું નથી એટલે તેમને આખા વર્ષની જ ૨૪૦૦ લીટરની લિમિટ આપવી જોઈએ.’

જજને સરકારી નિવાસસ્થાન અને કાર ઉપરાંત નવાં ચશ્માં અને ચશ્માંના મેઇન્ટેનન્સ માટે વર્ષના ૫૦,૦૦૦ રૂપિયા પણ આપવામાં આવે છે.

mumbai news mumbai maharashtra government maharashtra news bombay high court mumbai high court