22 November, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં અનામત ક્વોટા ૫૦ ટકાથી વધુ ન જઈ શકે એવા સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ૧૫૭ સંસ્થાઓમાં આ નિશ્ચિત મર્યાદાનું ઉલ્લંઘન થયું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની કુલ ૬૮૫ સંસ્થાઓ છે જેમાંથી ૮૩ પંચાયત સમિતિ, ૧૭ જિલ્લાપરિષદ, ૪૪ મ્યુનિસિપલ કાઉન્સિલ, ૧૧ નગરપંચાયત અને બે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ક્વોટાની મર્યાદાનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. એટલે કે ૨૩ ટકા સંસ્થાઓ ૫૦ ટકા કરતાં વધુ સીટ અનામત ક્વોટા માટે ફાળવી રહી છે. નાગપુર અને ચંદ્રપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનનો આ યાદીમાં સમાવેશ થાય છે.
અનામત ક્વોટા બાબતે સુપ્રીમ કોર્ટે ૨૫ નવેમ્બરે આગામી સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. બીજી ડિસેમ્બરે રાજ્યની નગરપરિષદ અને નગરપંચાયતોની ચૂંટણી યોજવાની છે ત્યારે અનામત બાબતે હજી સ્પષ્ટતા ન હોવાથી રાજ્યનું ચૂંટણીપંચ વચલો રસ્તો કાઢે એવી શક્યતા છે. ૨૩૫ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગરપંચાયતોમાં અનામત ક્વોટાની મર્યાદાનો ભંગ નથી થઈ રહ્યો ત્યાં ચૂંટણી નિર્ધારિત તારીખે યોજવામાં આવે અને બાકીની પંચાવન મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગરપંચાયતોમાં ચૂંટણી મુલતવી રાખવામાં આવે એ અંગે ચૂંટણીપંચ વિચાર કરી રહ્યું છે.
પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે કરેલા દાવા પ્રમાણે ગઈ કાલે નામાંકનો પાછાં ખેંચવાની અંતિમ તારીખે રાજ્યભરમાં BJPના કુલ ૧૦૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ શરૂ થઈ ગયો છે. ગઈ કાલે નામાંકન પાછું ખેંચવાનો અંતિમ દિવસ હોવાને કારણે રાજ્યની અનેક નગરપરિષદોમાં ઘણા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એટલે કે પહેલા જ દાવમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યમાં મોટી લીડ મેળવી હોવાનો દાવો BJPના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે કર્યો હતો. રાજ્યભરમાં વિવિધ નગરપંચાયતો અને નગરપરિષદોમાં BJPએ મતદાન પહેલાં જ ૧૦૦નો આંકડો પાર કરી લીધો છે. ચૂંટણી પહેલાં જ BJPના ૧૦૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ધુળેની દોંડાઈ નગરપરિષદની તમામ ૨૬ બેઠકો પર BJPના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
|
કયા વિસ્તારમાં BJPના કેટલા કૉર્પોરેટરો બિનહરીફ ચૂંટાયા? |
|
|
કોકણ |
૪ |
|
ઉત્તર મહારાષ્ટ્ર |
૪૯ |
|
પશ્ચિમ મહારાષ્ટ્ર |
૪૧ |
|
મરાઠવાડા |
૩ |
|
વિદર્ભ |
૩ |