06 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનંજય મુંડે
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના ગઈ કાલે ૮૫મા દિવસે આ કેસના મુખ્ય આરોપી વાલ્મીક કરાડ સાથે નજીકના સંબંધ ધરાવતા રાજ્યના કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું હતું. સોમવારે સંતોષ દેશમુખની હત્યાના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા જેમાં ખૂબ જ ક્રૂરતાથી સરપંચને મારી નાખવામાં આવ્યો હોવાનું જણાયું હતું. હત્યાના વિડિયો અને ફોટોથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે એને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે સોમવારે મોડી રાતે સવા કલાક ચાલેલી બેઠકમાં ધનંજય મુંડેના રાજીનામાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનભવનની બહાર પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યના કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે જે મેં સ્વીકારી લીધું છે અને વધુ કાર્યવાહી માટે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મોકલી દેવામાં આવ્યું છે. સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં પોલીસે કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં ધનંજય મુંડેના નજીકના ગણાતા વાલ્મીક કરાડની મુખ્ય ભૂમિકા હોવાનું જણાઈ આવતાં વિરોધી પક્ષો કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાની માગણી કરી રહ્યા હતા.
તબીબી કારણસર પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે: ધનંજય મુંડે
ધનંજય મુંડેએ રાજીનામું આપવા વિશે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘બીડ જિલ્લાના મસ્સાજોગના સ્વ. સંતોષ દેશમુખની કરપીણ હત્યાના આરોપીને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ એવી માગણી પહેલા દિવસથી કરી છે. હત્યાના ફોટો જોઈને મન ખૂબ વ્યથિત થયું. આ પ્રકરણની તપાસ પૂરી થઈ ગઈ છે એટલે કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી મારી તબિયત સારી નથી અને ડૉક્ટરોએ આગામી કેટલાક દિવસ સારવાર લેવાની સલાહ આપી છે એટલે તબીબી કારણસર મેં મુખ્ય પ્રધાનને મારું પ્રધાન તરીકેનું રાજીનામું સોંપ્યું છે.’
ધનંજય મુંડેને બરતરફ કરો : અંજલિ દમણિયા
ધનંજય મુંડેએ કૅબિનેટ પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે એ વિશે સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજીનામું ગયું ખાડામાં, ધનંજય મુંડેને બરતરફ કરો. બધા કહે છે કે પુરાવા આપ્યા હોવા છતાં ધનંજય મુંડે સામે કેમ કાર્યવાહી નથી થતી? સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં વાલ્મીક કરાડને બચાવવાના ધનંજય મુંડેએ ખૂબ પ્રયાસ કર્યા છે એના પરથી ખ્યાલ આવે છે કે ધનંજય મુંડે આ મામલામાં કોઈક રીતે સંકળાયેલા છે. આથી રાજીનામાને બદલે વિધાનસભ્ય તરીકે તેમને બરતરફ કરવા જોઈએ.’
ધનંજયે પહેલાં જ રાજીનામું આપવું જોઈતું હતું : પંકજા મુંડે
મહારાષ્ટ્રનાં પ્રધાન અને ધનંજય મુંડેનાં કઝિન પંકજા મુંડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ધનંજયે રાજીનામું આપ્યું છે એનું સ્વાગત છે. જોકે તેણે પહેલાં જ રાજીનામું આપ્યું હોત તો સારું થાત. ઇન ફૅક્ટ, તેને શપથ જ નહોતા અપાવવા જોઈતા. અમે જ્યારે કોઈ પોસ્ટ લઈએ છીએ ત્યારે રાજ્યની દરેક વ્યક્તિ માટે એકસરખું વિચારવું જોઈએ. સંતોષ દેશમુખના પરિવારને થયેલી પીડા સાથે ધનંજયનું રાજીનામું સરખાવી ન શકાય. મને લાગે છે વધુ મોડું થાય એ પહેલાં રાજીનામું આપીને ધનંજયે યોગ્ય નિર્ણય લીધો છે.’
ખંડણી માટેની બેઠક ધનંજય મુંડેના ઘરે થઈ હતી : વિધાનસભ્ય સુરેશ ધસ
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય સુરેશ ધસે ગઈ કાલે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ધનંજય મુંડે પ્રધાન રહે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. ધનંજય મુંડેના સાતપુડા બંગલામાં ખંડણી લેવા બાબતે બેઠક થઈ હતી એનો જવાબ તેમણે આપવો પડશે. આવી સ્થિતિમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા ધનંજય મુંડેની જાણ બહાર થઈ હોવાની જરાય શક્યતા નથી.’