હાઇવે પર અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ આપશે ઍર ઍમ્બ્યુલન્સ

29 May, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોડ-ઍક્સિડન્ટમાં ૪ મહિનામાં ૫૨૩૩ મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

રોડ-ઍક્સિડન્ટને કારણે થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવા રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા ગંભીર ઈજાગ્રસ્તોને ગોલ્ડન અવરમાં એટલે કે અકસ્માત પછીના પ્રથમ કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર મળી રહે એ માટે સમગ્ર રાજ્યમાં ઍર ઍમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. 

રોડ-ઍક્સિડન્ટના સરકારી ડેટા મુજબ ચાલુ વર્ષે ૨૦૨૬માં જાન્યુઆરીથી એપ્રિલ મહિનાની વચ્ચે જ રાજ્યમાં ૧૨,૩૮૯ માર્ગ-અકસ્માતો નોંધાયા છે. એમાંથી ૪૮૨૭ અકસ્માતો જીવલેણ હતા, જેમાં ૫૨૩૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો હવાઈમાર્ગે દરદીઓને ઝડપથી ટ્રૉમા સેન્ટર પહોંચાડી શકાય તો મૃત્યુઆંકમાં મોટો ઘટાડો કરી શકાશે.

પરિવહન વિભાગે આ પ્રોજેક્ટની ફીઝિબિલિટી સ્ટડી અને ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત હાઈ-પાવર કમિટી સમક્ષ મૂકી છે. જોકે સમિતિએ આરોગ્ય વિભાગ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા અને સ્ક્રૂટિની કર્યા બાદ આ પ્રસ્તાવ ફરીથી સબમિટ કરવા જણાવ્યું છે. આ અભ્યાસ અંતર્ગત અકસ્માતના સંભવિત વિસ્તારો, હેલિપૅડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઑપરેશનલ ખર્ચ અને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલની શક્યતાઓ તપાસવામાં આવશે.

maharashtra government maharashtra news maharashtra road accident mumbai transport