21 April, 2025 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવવાની ચર્ચા છે ત્યારે ગઈ કાલે ગિરગામમાં અને થાણેની વાગળે એસ્ટેટમાં રાજ અને ઉદ્ધવ ઠાકરેના બાળાસાહેબ સાથેના ફોટોવાળાં બૅનર જોવા મળ્યાં હતાં.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાનો નિર્ણય લીધા બાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ એનો જોરદાર વિરોધ કર્યો છે. એટલું જ નહીં, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ મોટો વિવાદ ન હોવાનું કહ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે ઝઘડો તેમના તરફથી નહોતો અને તેમણે ઝઘડો ખતમ કર્યો છે. ઠાકરે બંધુઓનાં આવાં નિવેદનો બાદ તેઓ હાથ મિલાવે એવી ચર્ચા શનિવારે શરૂ થઈ હતી. જોકે આવી ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) કે એકનાથ શિંદે સાથે ક્યારેય ન જવાના છત્રપતિ શિવાજી મહારાજના શપથ લેવાની શરતે હાથ મિલાવવાનું કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની આ શરત વિશે રાજ ઠાકરેએ કોઈ જવાબ નથી આપ્યો.
રાજકીય નિષ્ણાતોના મતે રાજ અને ઉદ્ધવ ઠાકરે પાસે એકમેકના નંબર છે. તેઓ જો ખરેખર સાથે આવવા માગતા હોય તો ફોન કરીને કે મુલાકાત કરીને આ વિશે ચર્ચા કરી શકે છે. રાજ ઠાકરેએ ઇન્ટરવ્યુમાં તેમનો મત વ્યક્ત કર્યો છે, પણ ખૂલીને ઉદ્ધવ ઠાકરે સાથે આવવા વિશે કંઈ નથી કહ્યું. આવી જ રીતે ઉદ્ધવ ઠાકરેએ પણ સાથે આવવા બાબતે કોઈ નક્કર વાત નથી કરી. બીજું, ઉદ્ધવ ઠાકરેએ જે શરત મૂકી છે એ રાજ ઠાકરે ક્યારેય નહીં સ્વીકારે. રાજ ઠાકરેએ એકથી વધુ વખત કહ્યું છે કે તેઓ ક્યારેય કોઈના હાથ નીચે કામ નહીં કરે. રાજ ઠાકરે જો ખરેખર ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માગતા હોય તો તેમના પક્ષના મુંબઈ અધ્યક્ષ સંદીપ દેશપાંડે અને પ્રકાશ મહાજન ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે અને MNS સાથે કરેલા વર્તનની વાત ન કરે. આ બન્ને નેતાઓએ ઉદ્ધવ ઠાકરેની વિશ્વસનીયતા પર સવાલ કર્યા છે. આથી અત્યારે નથી લાગતું કે ઠાકરે બંધુ યુતિ કરે.