શું શિવસેના કરશે મનસે સાથે ગઠબંધન? રાજ ઠાકરેનું આ અંગે મોટું નિવેદન

24 May, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Political News: મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો તબક્કો ચાલુ છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણી પહેલા UBT અને રાજ ઠાકરેની MNS વચ્ચે ગઠબંધન થવાની શક્યતાઓ છે. હવે આ બધી અટકળો પર રાજ ઠાકરેની પાર્ટી મનસે તરફથી એક નિવેદન બહાર આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો તબક્કો ચાલુ છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની MNS વચ્ચે ગઠબંધન થવાની શક્યતાઓ છે. હવે આ બધી અટકળો પર રાજ ઠાકરેની પાર્ટી મનસે તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. મનસેના વરિષ્ઠ નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું છે કે મનસેના વડા રાજ ઠાકરે ઉદ્ધવની શિવસેના (UBT) સાથે ગઠબંધન પર ત્યારે જ વિચાર કરશે જ્યારે તેમની તરફથી કોઈ નક્કર દરખાસ્ત આવશે.

અમને ફક્ત દગો મળ્યો છે: મનસે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા સંદીપ દેશપાંડેએ શિવસેના (UBT) સાથેના જોડાણ અંગે પત્રકારો સાથે વાત કરતા એક નક્કર પ્રસ્તાવની માગ કરી. તેમણે કહ્યું કે અમે અગાઉ પણ ગઠબંધન માટે પ્રસ્તાવ મોકલ્યા હતા, પરંતુ અમને ફક્ત વિશ્વાસઘાત જ મળ્યો. દેશપાંડેએ કહ્યું કે જો તેઓ ઇચ્છતા હોય કે અમે સાથે આવીએ તો તેમણે રાજ ઠાકરેને પ્રસ્તાવ મોકલવો જોઈએ. ત્યારાબદ રાજ ઠાકરે આ અંગે યોગ્ય નિર્ણય લેશે.

રાજ ઠાકરેએ આપ્યો હતો સંકેત
રાજ ઠાકરેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સંકેત આપ્યો હતો કે શિવસેના (UBT) સાથે જોડાણ માટે વાતચીતનો વિકલ્પ ખુલ્લો છે. જો કે, મનસે નેતા સંદીપ દેશપાંડેએ સ્પષ્ટતા કરી છે કે રાજ ઠાકરેએ ક્યાંય ઉદ્ધવની પાર્ટી સાથે સીધા જોડાણની વાત કરી નથી. તેમના મતે, રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો શિવસેના (UBT) ગઠબંધનમાં રસ ધરાવે છે તો તે તેના પર વિચાર કરશે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના પણ MNS સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં દેશપાંડેએ કહ્યું કે હજી સુધી એકનાથ શિંદે તરફથી કોઈ સત્તાવાર સંદેશ આવ્યો નથી.

રાજ અને ઉદ્ધવ પિતરાઈ ભાઈ છે
તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પિતરાઈ ભાઈ છે. રાજ ઠાકરે એક સમયે અવિભાજિત શિવસેનાનો મોટો ચહેરો હતા. જો કે, મતભેદોને કારણે, તેમણે 2005 માં શિવસેનાથી અલગ થઈ ગયા. આ પછી, રાજ ઠાકરેએ 2006 માં તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની સ્થાપના કરી. છેલ્લા કેટલાક સમયથી, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના નિવેદનોથી એવી અટકળો શરૂ થઈ છે કે લગભગ બે દાયકા પછી, બંને નેતાઓ તેમના મતભેદોને ભૂલીને ફરીથી સાથે આવી શકે છે.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય (મહાનગર પાલિકા)ની ચૂંટણીઓની ચર્ચા વચ્ચે, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં તેમના પક્ષના સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા વિભાગના વડાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ મીટિંગમાં કોઈને પણ મોબાઇલ કે કૅમેરા લઈ જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. એવું કહેવાય છે કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું અને તેમને ચૂંટણીની તૈયારી શરૂ કરવા કહ્યું છે.

uddhav thackeray raj thackeray maharashtra navnirman sena shiv sena maharashtra political crisis maharashtra news mumbai news news