30 October, 2025 12:07 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પણ પ્રહાર જનશક્તિ પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોએ નાગપુર-હૈદરાબાદ નૅશનલ હાઇવે પર બસ અને ટ્રક આડી ઊભી રાખીને એને બ્લૉક કરી દીધો હતો.
ખેડૂતોને સંપૂર્ણ લોન-માફી મળે અને એ સિવાય દૂધના ભાવ, સોયાબીનના ભાવ નક્કી કરવા જેવી અનેક માગણીઓ સાથે હજારો લોકોએ સોમવારથી શરૂ કરેલું આંદોલન બુધવારે ઉગ્ર બન્યું હતું. પોલીસ અને હાઈ કોર્ટની દખલગીરી છતાં પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુ અને અન્ય આંદોલનકારીઓ ટસના મસ નહોતા થયા. આખરે રાજ્ય સરકારના બે પ્રતિનિધિઓએ સમજાવતાં બચ્ચુ કડુ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મુદ્દે ચર્ચા કરવા મુંબઈ આવશે. જો આ ચર્ચામાં આજે પણ લોન-માફી વિશે આખરી નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન ચાલુ રાખીને રેલરોકો અને જેલભરોની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
બુધવારે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આંદોલનકારીઓએ બાનમાં લીધેલા રસ્તાઓ અને રેલવે-ટ્રૅક છોડી દેવાનો આદેશ આપ્યો હતો. આંદોલનકારીઓએ નાગપુર-હૈદરાબાદ હાઇવે તથા નાગપુર-મુંબઈ સમૃદ્ધિ માર્ગ પર ચક્કાજામ કર્યું હતું તેમ જ રેલવે-ટ્રૅક પર સૂઈ જઈને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. વર્ધા રોડ તરીકે ઓળખાતા નૅશનલ હાઇવે પર ૨૦ કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી ગઈ હતી. ઍમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓને પણ રસ્તા પરથી પસાર થવાની જગ્યા નહોતી આપી.
આ સંદર્ભના અહેવાલને ધ્યાનમાં રાખીને નાગપુર ખંડપીઠના ન્યાયાધીશ રજનીશ વ્યાસે જાતે જ, સુઓ મોટો અરજી કરીને આંદોલનકારીઓને સાંજે ૬ વાગ્યા સુધીમાં રસ્તો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનો આદેશ લઈને સાંજે ૬ વાગ્યે પોલીસ આંદોલન-સ્થળે પહોંચી હતી પણ આંદોલનકારીઓએ જેલમાં જવાની તૈયારી બતાવીને આંદોલનના સ્થળેથી હટવાનો ઇનકાર કર્યો હતો.
જોકે રાતે ૭.૧૫ વાગ્યે બચ્ચુ કડુ અને આંદોલનકારીઓ જગ્યા ખાલી કરીને પોલીસ-સ્ટેશન તરફ જવા રવાના થયા હતા. એ પછી રાજ્ય સરકારના શિષ્ટમંડળના સભ્યો આશિષ જૈસ્વાર અને પંકજ ભોઈર નાગપુર શહેરની બહાર જ્યાં આંદોલન થયું હતું ત્યાં જઈને બચ્ચુ કડુને મળ્યા હતા. ભરવરસાદમાં રસ્તા પર બેસીને ચર્ચા કર્યા બાદ બચ્ચુ કડુએ મુંબઈ આવીને મુખ્ય પ્રધાનને મળવાની વાત માન્ય રાખી હતી.
ખેડૂતોને સંપૂર્ણ લોન-માફી મળે એવી માગણી સાથે હજારો લોકોએ સોમવારે અમરાવતી જિલ્લાથી ટ્રૅક્ટર-માર્ચ શરૂ કરી હતી જે મંગળવારે રાતે નાગપુર પહોંચી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુને ખેડૂતોને લૉન-માફીના મુદ્દે સામાન્ય પ્રજાને તકલીફ પડે એ રીતે આંદોલન કરવાને બદલે સરકાર સાથે ચર્ચા કરવાની અપીલ કરી હતી. એ ઉપરાંત ચર્ચા પણ શક્ય હોય એવા વાજબી મુદ્દા પર થવી જોઈએ એવું ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું. ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે આંદોલનકારીઓની બેઠક યોજશે.
મુખ્ય માગણીઓ
ખેડૂતોને સંપૂર્ણ લોન-માફી આપવી
પૂરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક મદદ આપવી
શેરડી માટે પ્રતિ ટન ૪૩૦૦ રૂપિયા ટેકાનો ભાવ આપવો
કાંદાનો પ્રતિ કિલો ૪૦ રૂપિયા ભાવ આપવો
કાંદા પરનો એક્સપોર્ટ ટૅક્સ કાયમ માટે રદ કરવો