23 July, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO), પોલીસ ડિપાર્ટમેન્ટ તથા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) દ્વારા પહેલી જુલાઈથી ૨૦ જુલાઈ દરમ્યાન યોજાયેલી સંયુક્ત કાર્યવાહી દરમ્યાન ૨૦ દિવસમાં ગેરકાયદે પાર્ક કરવામાં આવેલાં અથવા પરવાનગી વગર ટ્રાન્સપોર્ટ ઑપરેશન્સ કરનારાં ૮૮૩૯ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૧.૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસ ડેપો વિસ્તારમાં કરવામાં આવી હતી જ્યાં પરવાનગી વગર પૅસેન્જર ટ્રાન્સપોર્ટ ઑપરેશન હાથ ધરાતાં હતાં અને ગેરકાયદે વાહનો પાર્ક કરાતાં હતાં. આ દરમ્યાન ૧૯૬ વાહનોને જપ્ત પણ કરવામાં આવ્યાં હતાં.
ગેરકાયદે પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવા ઉપરાંત સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને પણ તકલીફ પડતી હોવાથી અને ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવા ઉપરાંત સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતો હોવાથી આ કાર્યવાહી કરાઈ હતી.