22 November, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાડકી બહિણ યોજના
મહારાષ્ટ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’માં એક મહત્ત્વની જાણકારી બહાર આવી છે. લગભગ અઢી કરોડ KYCની ચકાસણી કર્યા બાદ માલૂમ પડ્યું છે કે સમાજની આર્થિક રીતે અક્ષમ મહિલાઓ, દુર્બળ અને ગરજુ મહિલાઓ માટે મહાયુતિ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી આ યોજનાનો લાભ સરકારી નોકરી કરતી અનેક મહિલાઓએ લીધો છે. એ માટે તેમણે ફૉર્મ ભરતી વખતે કેટલીક માહિતી છુપાવી હોવાનું જણાઈ આવ્યું છે.
ગરીબ, વિધવા, છૂટાછેડા લીધેલી, ત્યક્તા, બેરોજગાર અને આર્થિક રીતે હેરાનગતિ ભોગવતી મહિલાઓને દર મહિને મદદ મળી રહે એ માટે આ યોજના ચાલુ કરવામાં આવી હતી. જોકે KYCની ચકાસણી બાદ એવું જણાઈ આવ્યું હતું કે ઘણી બધી સરકારી મહિલા કર્મચારીઓ જેઓ દર મહિને પગાર લે છે તેમણે પણ આ યોજનાનો લાભ લીધો હતો. રાજ્ય સરકારે KYCની પ્રક્રિયા વધુ ઝીણવટભરી હાથ ધરી અને અઢી કરોડ જેટલાં KYC ચેક કરવામાં આવ્યાં. એ ચકાસણી દરમ્યાન યોજનાની લાભાર્થી મહિલાઓની માહિતી સરકારી વિભાગો, પગાર રજિસ્ટર અને સરકારી નોકરીના વિવિધ પદના ડેટા સાથે ક્રૉસ-ચેક કરવામાં આવતાં ઘણી બધી ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
એ સ્ક્રૂટિનીમાં જણાઈ આવ્યું હતું કે અનેક સરકારી કર્મચારી મહિલાઓએ ‘લાડકી બહિણ યોજના’નો લાભ લીધો હતો. તેમની અરજીઓ સ્વીકારાઈ પણ ગઈ અને તેમને લાભ પણ મળતો હતો. કેટલાક કેસમાં તો આ યોજનાનો લાભ લેવા તે કર્મચારી મહિલાઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હતી એવું પણ જણાઈ આવ્યું હતું.
હવે તેમના પર કઈ રીતે કાર્યવાહી થશે?
ગેરરીતિઓ કરીને એ યોજનાનો લાભ લેવામાં આવ્યો હોવાનું જણાઈ આવતાં હવે એ લાભ લેનારી સરકારી મહિલા કર્મચારીઓની દરેકની અલગથી તપાસ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે મહિલાઓએ એનો ખોટી રીતે લાભ લીધો છે તેમની પાસેથી એ પૈસા વસૂલ કરવાની પ્રક્રિયા પણ ડિપાર્ટમેન્ટલ સ્તરે ચાલુ કરવામાં આવી છે અને આ માટે તેમને ટૂંક સમયમાં નોટિસ પણ મોકલવામાં આવશે એટલું જ નહીં, જો તેઓ દોષી પુરવાર થશે તો તેમનો પગાર રોકવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વળી શિસ્તભંગની કાર્યવાહી માટે તેમની સામે અધર સર્વિસિસના નિયમ અંતર્ગત પણ પગલાં લેવામાં આવે એવી શક્યતા છે. એ સિવાય કર્મચારીએ ખોટી રીતે લાભ લીધો હોવાની સમયસર જાણ ન કરનાર ડિપાર્ટમેન્ટના ઑફિસર સામે પણ પગલાં લેવામાં આવશે. સરકારે પણ સ્પષ્ટ કહ્યું છે કે ગરીબો માટેની કોઈ પણ યોજનાનો ગેરલાભ જો કોઈએ લીધો તે તેને કોઈ પણ રાહત આપવામાં નહીં આવે અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે.
સરકારી ઑફિસોમાં ફફડાટ
સરકારના આ કડક વલણથી હાલ સરકારી ઑફિસોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. એ યોજનાનો ખોટી રીતે લાભ લેનારી મહિલા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેટલીક મહિલાઓએ એ કબૂલી પણ લીધું છે, જ્યારે કેટલીક મહિલાઓએ ભૂલમાં અરજી કરી નાખી એમ જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટલ હેડ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને માહિતી એકઠી કરવામાં આવી રહી છે.