વરલી ડોમ કૉન્સર્ટ: દારૂનો ઓવરડોઝ હતો પણ ડેથ હાર્ટ-અટૅકને લીધે

08 June, 2026 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેસ્કો સેન્ટરની કૉન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી બે જણે જીવ ગુમાવ્યા એ પછી હવે વરલીના ડોમની કૉન્સર્ટમાં ૨૮ વર્ષના યુવાનનું મૃત્યુ: માહિમના રિષભ ગાંગુર્ડે સાથે તેની ૩૧ વર્ષની મહિલા મિત્ર પણ હતી, જસલોક હૉસ્પિટલમાં તેની તબિયત સ્થિર

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વરલીની નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)માં આવેલા ડોમમાં શનિવારે રાત્રે યોજાયેલી જર્મન ડિસ્ક-જૉકી (DJ) તથા પ્રોડ્યુસરના ‘Klangkuenstler All Night Long’ મ્યુઝિક-કૉન્સર્ટ દરમ્યાન ૨૮ વર્ષના માહિમના યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે એક મહિલાની તબિયત લથડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે વહેલી સવારે બની હોવાની માહિતી પોલીસે આપી હતી. 

શરૂઆતમાં વધુ પ્રમાણમાં દારૂ પીવાના કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું હતું, પરંતુ રવિવારે સાંજે પોલીસે હાર્ટ-અટૅકના કારણે મૃત્યુ થયું હોવાની સ્પષ્ટતા કરી હતી. પોલીસે આ મામલે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને તાડદેવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર શનિવારે યોજાયેલી મ્યુઝિક-કૉન્સર્ટમાં મૃત્યુ પામનાર યુવક રિષભ ગંગુર્ડે તથા વધુ એક મહિલાની હાલત બગડી હતી. કૉન્સર્ટના આયોજકોએ તાત્કાલિક બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં બન્નેને દાખલ કર્યાં હતાં, પરંતુ રિષભ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો, જ્યારે મહિલાને પછીથી જસલોક હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેની હાલત સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શરૂઆતમાં ડીહાઇડ્રેશનના કારણે મૃત્યુ થયાની શંકા
પોલીસનું માનવું છે કે રિષભે કૉન્સર્ટ દરમ્યાન વધુ પ્રમાણમાં દારૂનું સેવન કર્યું હતું અને એના કારણે તે ડીહાઇડ્રેશનનો શિકાર બન્યો હોઈ શકે. ડીહાઇડ્રેશન એટલે કે પાણીની ઊણપના કારણે તેનું મૃત્યુ થયું હોવાની શંકા પોલીસને શરૂઆતમાં હતી. જોકે આ બાબતે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી ટૉક્સિકોલૉજી રિપોર્ટ આવ્યા બાદ હાર્ટ-અટૅકના કારણે મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.

ડ્રગ્સનો ઉપયોગ નથી થયો : પોલીસની સ્પષ્ટતા
શરૂઆતમાં ડ્રગ્સના સેવનના કારણે યુવકનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી હતી, પરંતુ પોલીસે જણાવ્યા મુજબ મૃત્યુ પામનારા યુવકે કે હૉસ્પિટલાઇઝ્ડ થયેલી મહિલાએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા ન હોવાની સ્પષ્ટતા કરી હતી. 

દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : એકનાથ શિંદે
આ ઘટનાની નોંધ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લીધી હતી અને કહ્યું હતું કે પોલીસ આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જે પણ આ ઘટના બદલ દોષી ઠરશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવા, ઇલેક્ટ્રૉનિક પુરાવા એકઠા કરવા સહિતની કાર્યવાહી આરંભી છે. જો જરૂર જણાશે તો ઇવેન્ટના આયોજકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે. 

કૉન્સર્ટ કલ્ચર પર ફરી પ્રશ્નાર્થચિહ્‍‍ન
આ વર્ષે એપ્રિલ મહિનામાં ગોરેગામના નેસ્કો સેન્ટરમાં યોજાયેલી એક કૉન્સર્ટ દરમ્યાન ડ્રગ ઓવરડોઝના કારણે ૨૮ વર્ષના યુવક અને ૨૪ વર્ષની યુવતીનાં મોત થયાં હતાં, જ્યારે વધુ એક જણની તબિયત લથડી હતી. આ મામલે વનરાઈ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે કૉન્સર્ટ વખતે નશો કરવાના કારણે થયેલાં મૃત્યુની ઘટના ફરી પ્રકાશમાં આવતાં કૉન્સર્ટ કલ્ચર પર ફરી પ્રશ્ન ઊભો થયો છે. ડ્રગ્સનો ઉપયોગ નથી થયો : પોલીસની સ્પષ્ટતા શરૂઆતમાં ડ્રગ્સના સેવનના કારણે યુવકનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી હતી, પરંતુ પોલીસે જણાવ્યા મુજબ મૃત્યુ પામનારા યુવકે કે હૉસ્પિટલાઇઝ્ડ થયેલી મહિલાએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા ન હોવાની સ્પષ્ટતા કરી હતી. 

mumbai news mumbai worli mumbai crime news Crime News mumbai police eknath shinde