✕

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઑપરેશન : ડિગ્રી વગર મેડિકલ સારવાર આપતા ૧૦ બોગસ ડૉક્ટરો સામે ફરિયાદ દાખલ

08 October, 2026 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઑપરેશન : ડિગ્રી વગર મેડિકલ સારવાર આપતા ૧૦ બોગસ ડૉક્ટરો સામે ફરિયાદ દાખલ

બોગસ ડૉક્ટરોએ મુંબઈના વિવિધ વિસ્તારમાં ખોલેલાં ક્લિનિક.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૭ના અધિકારીઓએ ગેરકાયદે મેડિકલ પ્રૅક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો સામે એક વિશેષ ઝુંબેશ ચલાવીને ૧૦ બોગસ ડૉક્ટરો સામે ફરિયાદ નોંધી છે. આ કથિત ડૉક્ટરો માન્ય મેડિકલ ડિગ્રી કે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વિના જ લોકોની સારવાર કરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાંડુપ, માનખુર્દ, કુર્લા, જોગેશ્વરી, બોરીવલી અને દહિસર જેવા મુખ્યત્વે ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ચાલી રહેલાં ક્લિનિક્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૭ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCના આરોગ્ય અધિકારીઓના સંયુક્ત ઉપક્રમે પાડવામાં આવેલા દરોડામાં સામે આવ્યું છે કે આ બોગસ ડૉક્ટરો મુખ્યત્વે ગુપ્ત રોગો તેમ જ યૌન સંબંધિત બીમારીઓની સારવાર કરવાનો દાવો કરીને દરદીઓ પાસેથી મોટી રકમ વસૂલતા હતા. આ સિવાય તેમનાં ક્લિનિક્સમાંથી ઍલોપેથિક, યુનાની અને આયુર્વેદિક દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાંથી કેટલીક દવાઓ એક્સપાયર્ડ હોવાનું પણ માલૂમ પડ્યું હતું. આ તમામ દવાઓનો જથ્થો જપ્ત કરી લીધો છે. આ ઝુંબેશ દરમ્યાન ભાંડુપનાં સંતોષ હેલ્થ ક્લિનિક અને વિનાયક હેલ્થ ક્લિનિક, જોગેશ્વરીની હમદમ હૉસ્પિટલ અને કોહિનૂર હૉસ્પિટલ, બોરીવલીની અંકુશ આયુર્વેદિક હૉસ્પિટલ, દહિસરનું દીપક હર્બલ હેલ્થકૅર ક્લિનિક અને માનખુર્દની સમર્થ આયુર્વેદિક હૉસ્પિટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં સામેલ તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્ર મેડિકલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.’

mumbai police mumbai news mumbai mumbai crime branch crime branch