09 September, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કોસ્ટલ રોડ ટનલની અંદર મંગળવારે બપોરે એક પૂરપાટ ઝડપે આવતી કાર અને ટૅક્સી વચ્ચે સર્જાયેલા અકસ્માતને કારણે ટનલમાં વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે આશરે ૪.૩૦ વાગ્યે નૉર્થ તરફ જતી ટનલમાં બની હતી, જ્યારે બન્ને વાહનો નરીમન પૉઇન્ટથી વરલી તરફ જઈ રહ્યાં હતાં. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટૅક્સીને પાછળથી જોરદાર ટક્કર મારતાં બન્ને વાહનોને ભારે નુકસાન થયું હતું અને રસ્તાની લેન બ્લૉક થઈ ગઈ હતી.
અકસ્માતના થોડા જ સમયમાં ટનલની અંદર વાહનોનો મોટો કાફલો થંભી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક-પોલીસ અને ઇમર્જન્સી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. રસ્તો ખુલ્લો કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર-ડ્રાઇવરની સ્પીડ અને અકસ્માતનાં ચોક્કસ કારણો વિશે વધુ તપાસ હાથ ધરી છે.