હવે ચણાજોર ગરમ વેચતો ફેરિયો પણ બન્યો સાઇબર ફ્રૉડનો શિકાર

08 August, 2022 10:14 AM IST  |  Mumbai | Mehul Jethva

સાઇબર ગઠિયાએ મલબાર હિલના આ ફેરિયાને ૨૦ કિલો ચણાનો ઑર્ડર આપ્યા પછી પેમેન્ટ માટે સ્કૅનિંગ કોડ મોકલ્યો જે સ્કૅન કરતાં તેના અકાઉન્ટમાંથી ૧૬,૨૦૦ રૂપિયા કપાઈ ગયા

પ્રતીકાત્મક તસવીર

મલબાર હિલમાં રસ્તા પર ચણાજોર ગરમ વેચતા ફેરિયાને સાઇબર ગઠિયાએ ફોન કરીને ૨૦ કિલો ચણાનો ઑર્ડર આપ્યો હતો. એ પછી પેમેન્ટ માટે સ્કૅનિંગ કોડ મોકલ્યો હતો. એ સ્કૅન કરતાં ફેરિયાના અકાઉન્ટમાંથી ૧૬,૨૦૦ રૂપિયા કપાઈ ગયા હતા. એકાએક પૈસા કપાવાનો મેસેજ આવતાં તેણે તરત મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

મલબાર હિલમાં રોડ પર ચણા વેચવાનો વ્યવસાય કરતા રવીન્દ્ર પાલને ગયા અઠવાડિયે રાહુલ નામના એક માણસનો ફોન આવ્યો હતો. તેણે પોતે ઇન્ડિયન આર્મીનો જવાન હોવાનું રવીન્દ્રને કહ્યું હતું. રાહુલે એકસાથે ૨૦ કિલો ચણાજોર ગરમ આર્મી અધિકારીઓ માટે જોઈતા હોવાનું રવીન્દ્રને કહ્યું હતું અને એ માલ કોલાબામાં આવેલી આર્મી ઑફિસમાં આપવા કહ્યું હતું. આટલો મોટો ઑર્ડર આવતાં ફરિયાદી ૩૧ જુલાઈએ કોલાબાની આર્મી ઑફિસ નજીક પહોંચ્યો હતો. એ દિવસે રવિવાર હોવાથી આર્મી ઑફિસ બંધ હતી એટલે તેણે તરત ઑર્ડર કરેલા નંબર પર ફોન કર્યો હતો. તેમણે રવીન્દ્રને કહ્યું હતું કે આજે ઑફિસ તો બંધ છે પણ અમારા મોટા અધિકારીનો નંબર આપું છું, તું તેમને ફોન કર, તેઓ તને પૈસા આપી દેશે. તેણે એમ કહેતાં ફરિયાદીએ બીજા નંબર પર ફોન કરતાં સામેવાળા માણસે સ્કૅનિંગ કોડ મોકલ્યો હતો. એ રવીન્દ્રએ સ્કૅન કરતાં થોડી વારમાં તેના અકાઉન્ટમાં રાખેલા ૧૬,૨૦૦ રૂપિયા કપાઈ ગયા હતા. મલબાર હિલ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એ પૈસા કોના અકાઉન્ટમાં જમા થયા છે એની માહિતી અમે કાઢી રહ્યા છીએ.’

mumbai mumbai news cyber crime mumbai crime news Crime News malabar hill mehul jethva