✕

૪ વર્ષ ડીપ ફ્રીઝરમાં મૃતદેહ સાચવ્યા પછી આખરે પ‌રિવારે ઘરના મોભીના અં‌તિમ સંસ્કાર કરવા પડ્યા

02 October, 2026 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડની આ ઘટનામાં ભવિષ્યમાં વિજ્ઞાનની મદદથી ફરી જીવતા થાય એ આશાએ બાળકોએ પપ્પાનો મૃતદેહ સાચવી રાખ્યો હતો, અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટરમાં મોકલવા માગતા હતા

મલાડનું બંધ ક્લિનિક જ્યાં સોમવારે ફ્રીઝરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.

મલાડ-ઈસ્ટના એક પૉલિક્લિનિકના ડીપ ફ્રીઝરમાંથી ૨૦૨૨માં અવસાન પામેલા ૮૦ વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યાના બે દિવસ બાદ પોલીસની સમજાવટ પછી પરિવારે બુધવારે આખરે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
સોમવારે મોડી રાત્રે સ્થાનિક લોકોની બાતમીના આધારે પોલીસે આ ક્લિનિકમાંથી મૃતદેહ કબજે કર્યો હતો. જોકે પોલીસે આ મામલે પરિવાર સામે કોઈ ગુનાહિત કેસ દાખલ કર્યો નથી. વૃદ્ધનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું, પરંતુ તેમના નિધનથી આઘાતમાં સરી પડેલાં તેમનાં સંતાનો આ આઘાત સહન કરી શક્યાં નહોતાં. ભવિષ્યમાં વિજ્ઞાનની મદદથી તેમને સજીવન કરી શકશે એ આશાએ પરિવાર તેમના દેહને અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટરમાં મોકલવા માગતો હતો. આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે તેમણે મલાડ-ઈસ્ટના એક પૉલિક્લિનિકમાં ફ્રીઝર ભાડે રાખીને મૃતદેહ ત્યાં સાચવી રાખ્યો હતો. જોકે પરિવાર કે ક્લિનિક મૅનેજમેન્ટે આ વિશે સ્થાનિક પોલીસ-સ્ટેશનને કોઈ જાણ કરી નહોતી.
વરિષ્ઠ પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘અમે સરકારી ડૉક્ટરો સાથે ચર્ચા કરી હતી કે મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવવું જરૂરી છે કે કેમ. જોકે પરિવારે ૨૦૨૨માં થયેલા કુદરતી મૃત્યુના તમામ તબીબી દસ્તાવેજો રજૂ કર્યા હોવાથી ડૉક્ટરોએ ઑટોપ્સીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે વૃદ્ધની પત્ની પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવીને મૃતદેહને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે સોંપ્યો હતો.’
પરિવારે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેમને અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટર વિશે એક મિત્ર પાસેથી જાણવા મળ્યું હતું, જે પોતે પણ પોતાના સંબંધીના દેહને આ રીતે સાચવવાનું વિચારી રહ્યો હતો. ત્યાર બાદ પરિવારે ભારતીય સરકારી વિભાગો સાથે સંપર્ક કરીને મૃતદેહને વિદેશ મોકલવાની કાયદાકીય પ્રક્રિયા સમજવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ સાથે જ તેમણે અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટરનો સંપર્ક કરીને ખર્ચની વિગતો પણ મેળવી હતી, પરંતુ બાદમાં તેઓ અન્ય વિકલ્પો શોધી રહ્યા હતા. આ દરમ્યાન મલાડના ક્લિનિકમાં ફ્રીઝરમાં મૃતદેહ જાળવણી પાછળ પરિવારે પચાસ લાખ જેટલા રૂપિયાનો મોટો ખર્ચ કર્યો હતો. આખરે જ્યારે આ પ્રૉપર્ટી રીડેવલપમેન્ટમાં જવાની હતી ત્યારે સ્થાનિકો દ્વારા સોમવારે રાત્રે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

mumbai news mumbai malad mumbai police