શ્રાવણમાં તીન પત્તીનો પ્લાન હોય તો સાવધાન

06 August, 2021 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસની તમારા પર નજર છે : એણે ખબરીઓનું નેટવર્ક ઍક્ટિવ કરી દીધું છે : મલાડના એક ઘરમાં રેઇડ પાડીને મલાડ પોલીસે જુગાર રમતા ૧૭ જણની ધરપકડ કરી છે

શ્રાવણ મહિનામાં લોકોમાં પત્તાં રમવાનો ક્રૅઝ વધે છે અને ખાસ કરીને લોકો તીન પત્તી રમવાનો ચસકો હોય છે. પ્રતીકાત્મક તસવીર.

આ વખતે જો શ્રાવણ ‌મહિનામાં જુગારની મંડળી જમાવવાના હો તો ચેતજો, પોલીસની કરડી નજર છે તમારા પર. મલાડ-વેસ્ટના માર્વે રોડ પર આવેલા પૉશ મહાપ્રભુ બિલ્ડિંગમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે એવી માહિતી મળતાં મલાડ પોલીસે રવિવારે દિવસના સમયે તેમના પર રેઇડ પાડી ૧૭ જણને તીન પત્તી રમતાં ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૩૪,૦૦૦ની કૅશ પણ મળી આવી હતી. તમામ આરોપીઓ સામે ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને એ પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પકડાયેલાઓમાં મોટા ભાગના મલાડ અને કાંદિવલીના ગુજરાતી બિઝનેસમેન છે. 
શ્રાવણ મહિનો આવે એટલે મોટી સંખ્યામાં ગુજરાતીઓ તીન પત્તી રમવા ટોળકી જમાવી લે છે અને એમાંય સાતમ-આઠમે તો ખાસ. શ્રાવણ મહિનામાં લોકો પોતાના ઘર ઉપરાંત હોટેલમાં અને ક્લબોમાં પણ બેઠક ગોઠવતા હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં પોલીસ ઘણી ક્લબ અને હોટેલો પર રેઇડ પાડતી હોય છે. ગયા વર્ષે કોરોનાને લીધે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને રમવાનું ટાળ્યું હતું, પણ આ વખતે એવું નથી. મલાડમાં રહેતા એક બિઝનેસમૅને કહ્યું હતું કે ‘હું ફક્ત શ્રાવણ મહિનામાં શોખ માટે તીન પત્તી રમું છું. હું કંઈ પાક્કો જુગારી નથી. પોલીસે મનોરંજન માટે રમતા લોકો પર રેઇડ ન પાડવી જોઈએ. અમારી તો હાર-જીત પણ પાંચસો રૂપિયાની જ થતી હોય છે.’
મુંબઈથી મોટી સંખ્યામાં લોકો લોનાવલા અને દેવલાલી જેવી જગ્યાએ પત્તાં રમવા શ્રાવણ મહિનામાં જતા હોય છે. ગયા વર્ષે પણ દેવલાલીમાં મોટી સંખ્યામાં આવી બેઠકો જામી હતી. 
 
પોલીસનું શું કહેવું છે?
મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ધનંજય લિગાડેએ કહ્યું હતું કે ‘ખબરીએ આપેલી માહિતીના આધારે અમે મલાડમાં કાર્યવાહી કરી હતી. જો કોઈ જુગાર રમતું હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. અમે રેગ્યુલર રમનારા તેમ જ જે લોકોને પોતાના પ્રિમાઇસિસમાં જુગાર રમવા દે છે એવા લોકો પર નજર રાખી રહ્યા છીએ. જો તેઓ જુગાર રમતા જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.’  

 જુગાર રમવો એ ગુનો છે. અમને અમારા ખબરીઓના નેટવર્ક પરથી માહિતી મળતી હોય છે. જો કોઈ જુગાર રમતાં પકડાશે તો તેમની સામે અમે કાર્યવાહી કરીશું.    
દીપક ફટાંગરે, મલાડ ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ 

Mumbai mumbai news malad mumbai police