લગ્નની નોખી પ​ત્રિકા, પરિવારનું અનોખું આમંત્રણ

05 December, 2021 10:50 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મલાડના જૈન પરિવારે એકની એક દીકરીનાં લગ્નની તૈયાર કરી ડિજિટલ આમંત્રણપ​ત્રિકા : ઍપના માધ્યમથી ઑડિયો મેસેજ અને વૉટ્સઍપ ચૅટની ઇમેજમાં આમંત્રણ : ૨૦૦૦ રૂપિયાની નોટમાં હતી પરિવારની માહિતી

લેશા-શ્રેયનાં લગ્નની અનોખી રીતે તૈયાર કરવામાં આવેલી કંકોતરી

મલાડ-ઈસ્ટમાં ડાહ્યાભાઈ પટેલ રોડ પર રહેતા અને જૈન સમાજના દીક્ષા, વિદાય, તપશ્ચર્યા, અનુષ્ઠાન જેવા અનેક કાર્યક્રમોમાં નિ:શુલ્ક પોતાની સેવા આપનાર સંજય હરખચંદ વખારિયાએ પોતાની એકની એક દીકરીનાં લગ્નની આમંત્રણપ​ત્રિકા કંઈક અનોખી રીતે તૈયાર કરી છે. એક રીતે આ પ​ત્રિકાને ડિજિટલ પણ કહી શકાય. આખી પત્રિકામાં માતા-પિતા, દાદા-દાદી અને દીકરીનો પ્રેમ અનુભવી શકાય છે.
સંજય અને હીના વખારિયાની દીકરી લેશાનાં ૬ ડિસેમ્બરે લગ્ન છે અને પીઠીના કાર્યક્રમથી પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે. આ લગ્નની કંકોતરી ખૂબ અનોખી રીતે બનાવવામાં આવી છે. આ કંકોતરી વિશે માહિતી આપતાં સંજય વખારિયાના મિત્ર સંજય શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જૈન સમાજના મોટા ભાગના સામાજિક કાર્યક્રમોમાં સંજયભાઈ પોતાની સેવા આપતા હોય છે. તેઓ ખૂબ પ્રભાવશાળી પ્રવક્તા છે. તેમની દીકરી લેશાનાં લગ્નની આમંત્રણપ​ત્રિકા ખૂબ અનોખી એટલા માટે છે કારણ કે એમાં ઑડિયો સાંભળવાની સાથે અન્ય ઘણી બાબત અલગ છે. કંકોતરી ખોલીએ એટલે પહેલા પાને દિલનો દસ્તાવેજ કરીને ગૂગલ પ્લે પરથી ઍપ ડાઉનલોડ કરવાની માહિતી છે. એ ઍપ ઇન્સ્ટૉલ કરીએ એટલે એ પાના પરના કમળના ફૂલ પર મોબાઇલ રાખીએ તો એ સ્કૅન થશે અને લેશાનાં સ્વ. દાદી સૂર્યાબહેનનો (જેમાં હીનાબહેને અવાજ આપ્યો છે) લેશા માટે ખૂબ ભાવુક કરતો ઑડિયો-સંદેશ છે. ત્યાર બાદ બીજા પાને વૉટ્સઍપ પર વાત કરતા હોય એ ચૅટ સ્વરૂપમાં લગ્નની માહિતી આપતું આમંત્રણ આપવામાં આવ્યું છે.’

આ વિશે વધુ માહિતી આપતાં સંજયભાઈ કહે છે, ‘ચૅટની બાજુમાં એક કવર જેવું છે. એની અંદર ૨૦૦૦ રૂપિયાની નોટ બનાવી છે. આ નોટ પર લેશા અને શ્રેયનો ફોટો છે. જનની તરીકે હીનાબહેન અને જનક તરીકે સંજયભાઈએ લેશાના ઇન-લૉઝને પ્રૉમિસ આપતાં સિગ્નેચર કરી છે. નોટ પર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને બદલે ભારતીય બૅન્ક ઑફ પ્યાર, રૂપિયાને બદલે વાહ, રૂપ યે!, ૧ + ૧ = ૧ એટલે બે આત્મા એક જીવ થશે, ૦૬૧૨૨૧ તારીખ લખેલી છે. એની બાજુમાં LSS લખેલું છે એટલે લેશા-શ્રેય-શાહ અને Sની નીચે V થોડુંશું દેખાય એમ લખેલું છે. V એટલે વખારિયા. વૉટરમાર્કમાં ગાંધીજીના ફોટોની જેમ લેશાનાં સ્વર્ગીય દાદીનો ફોટો છે. બૅકસાઇડ પર સ્વચ્છ ભારતનાં ચશ્માંમાં સદાચારી યુગલ, લગ્ન નામને વિવિધ ૧૫ ભાષામાં લખ્યું છે. નીચેની બાજુએ મંગળયાનને બદલે ૧૪ મંગળપ્રયાણનાં સિમ્બૉલ છે. દાદાનો ફોટો પણ છે અને એની બાજુમાં પાલખી છે જ્યાં દાદા તેમની પૌત્રીને પાલખીમાં લઈને જાય છે.’
સંજયભાઈએ ઉમેર્યું હતું કે ‘સંગીતસંધ્યાની માહિતી માટે સા, રે, ગ, મ, પ, ધ, ની શબ્દથી વાક્યો બનાવ્યાં છે. મામેરાનો પણ આખો અર્થ લખ્યો છે. ઉરના સૂરમાં મમ્મી-પપ્પા અને લેશાના શબ્દો લખ્યા છે. ત્યાર બાદ છેલ્લા પાને હસ્તમેળાપ અને મહાવીરસ્વામીની ઇમેજ છે. ઍપના માધ્યમથી એના પર મોબાઇલ રાખતાં ત્યાં તમને સંજય-હીના વખારિયા અને લેશાનો ઑડિયો મેસેજ સાંભળવા મળશે. સંગીતસંધ્યાથી લઈને લગ્નમાં પારંપારિક વિધિઓ સાથે ઘણું નવું જોવા મળશે.’

mumbai mumbai news malad preeti khuman-thakur