ભાઈ, તુમ ક્યા જાનો એક રાખી કી કિંમત?

29 July, 2022 11:35 AM IST  |  Mumbai | Mehul Jethva

રક્ષાબંધન નિમિત્તે ભાઈને કૅલિફૉર્નિયા રાખડી મોકલવા માગતી મલાડની ગુજરાતી મહિલાનું બૅન્ક-અકાઉન્ટ સાઇબર ગઠિયાએ સાફ કરી દીધું

પ્રતીકાત્મક તસવીર

સાઇબર ગઠિયાઓ છેતરપિંડી કરવાનો કોઈ મોકો છોડતા નથી. અનેક વાર પોલીસ દ્વારા સાવચેત રહેવાની અપીલ કર્યા પછી પણ લોકો તેમનો શિકાર થઈ જતા હોય છે. મલાડમાં રહેતી એક ગુજરાતી યુવતી કૅલિફૉર્નિયામાં રહેતા તેના ભાઈને રાખડી મોકલવા માગતી હતી. એ માટે તેણે ગૂગલ પર કુરિયર કંપનીનો નંબર શોધ્યો હતો. એ દરમ્યાન તે સાઇબર ફ્રૉડનો શિકાર થઈ હતી અને બૅન્કમાં રાખેલા ૪૩,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

કાંદિવલીની શંકર ગલીમાં આવેલી એક સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષની પ્રિકાંત શાહે કરેલી ફરિયાદ અનુસાર રક્ષાબંધન નિમિત્તે તે કૅલિફૉર્નિયામાં રહેતા ભાઈ મુકેશને રાખડી મોકલવા માગતી હતી. એ માટે તેણે ગૂગલ પર ડીટીડીસી કુરિયરનો નંબર શોધ્યો હતો. ત્યારે તેને બે નંબર મળ્યા હતા. એના પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ કુરિયર કંપનીનો અધિકારી હોવાનું કહીને પ્રિકાંતને કહ્યું હતું કે તમારું ઍડ્રેસ આપો, ત્યાંથી રાખડી અમારો માણસ કલેક્ટ કરી લેશે. એમ કહી તેણે એક લિન્ક મોકલી હતી. એમાં તેણે ઍડ્રેસ અને પાંચ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહ્યું હતું. એટલે પ્રિકાંતએ લિન્ક ખોલી એમાં માહિતી ભરીને પાંચ રૂપિયા પેમેન્ટ કરવા માટે ગૂગલ પેનો પિન નાખ્યો હતો. એ પછી થોડી વારમાં તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ૪૨,૯૯૯ રૂપિયા કપાઈ ગયા હતા. પોતે છેતરપિંડીનો શિકાર થઈ હોવાનું સમજાતાં તેણે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધનજય લિંગાડેનો ‘મિડ-ડે’એ સંપર્ક કરવાની કોશિશ કરતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જોકે ઘટનાની માહિતી આપતાં મલાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈને રાખડી મોકલવા માગતી મહિલાના અકાઉન્ટમાં પડેલી તમામ રકમ સાઇબર ગઠિયાએ ઉપાડી લીધી છે. અમે આઇટી ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.’

mumbai mumbai news cyber crime mumbai crime news raksha bandhan mehul jethva