કર ભલા તો હો બુરા

04 August, 2022 09:38 AM IST  |  Mumbai | Mehul Jethva

બીજાની મદદ કરવા જતાં મલાડમાં રહેતી ગુજરાતી યુવતીની થઈ આવી હાલત : કડિયાને હેલ્પ કરવા ગઈ એમાં તેની સાથે જ થઈ ૨.૯૩ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

મલાડમાં રહેતી એક ગુજરાતી યુવતીના ઘરે એક યુવક કડિયાકામ કરવા આવ્યો હતો. તેના મોબાઇલ પર રાત્રે સાડાનવ વાગે લાઇટનું કનેક્શન કપાવાનો મેસેજ આવ્યો હતો. કડિયાકામ કરવા આવેલા યુવાને મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જોકે તેને કંઈ જ ખબર ન પડતાં તેણે ફોન ગુજરાતી યુવતીને આપ્યો હતો. એ પછી સાઇબર ગઠિયાએ કહેલી ઍપ્લિકેશન યુવતીએ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરતાં તેના અકાઉન્ટમાંથી ૨.૯૩ લાખ રૂપિયા નીકળી ગયા હતા. યુવતીએ આ ઘટનાની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

મલાડના એસ. વી. રોડ પર ભાદરણનગરની એક સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષની ઉર્વી સાવલાએ કરેલી ફરિયાદ અનુસાર બીજી જુલાઈએ સવારે ૧૧ વાગ્યે કડિયાકામ કરવા માટે અરવિંદ પરમાર નામનો કડિયો તેના ઘરે આવ્યો હતો. તેના મોબાઇલ પર રાત્રે સાડાનવ વાગ્યે લાઇટનું કનેક્શન કપાઈ જવાનો મેસેજ આવ્યો હતો. એની સાથે એક નંબર પણ આપવામાં આવ્યો હતો. અરવિંદે તરત આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જોકે સામેની વ્યક્તિએ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેતાં અરવિંદને કંઈ ખબર ન પડતાં તેણે ત્યાં હાજર ઉર્વીને મદદ કરવા કહ્યું હતું. એ પછી ઉર્વીએ ઇલેક્ટ્રિસિટી ઑફિસર તરીકે ઓળખ આપનાર વ્યક્તિ સાથે વાત કરી હતી. તેણે ઉર્વીને તેના મોબાઇલમાં ક્વિક સપોર્ટ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. એ ડાઉનલોડ કરતાં ઉર્વીના મોબાઇલનું ઍક્સેસ સામેના સાઇબર ગઠિયા પાસે જતાં ગઠિયાએ આશરે એક કલાકમાં તેના અકાઉન્ટમાંથી ૨.૯૩ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેણે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  

મલાડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્વિક સપોર્ટ ઍપ્લિકેશન ડાઉનલોડ કરતાં ફરિયાદીના મોબાઇલનું ઍક્સેસ સામેના સાઇબર ગઠિયા પાસે ગયું હતું. એનો ફાયદો ઉઠાવીને સાઇબર ગઠિયાએ તેનું અકાઉન્ટ ખાલી કરી દીધું હતું. આ પૈસા કોના અકાઉન્ટમાં ગયા છે એની અમે તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime mehul jethva