17 October, 2026 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉજ્જવલ નિકમ
માલેગાવ તાલુકાના ડોંગરાળેમાં ૨૦૨૫ની ૧૬ નવેમ્બરે સાડાચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને, ગળું દબાવીને તેની કરપીણ હત્યા કરનાર વિજય ખૈરનારને માલેગાવ ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે ફાંસીની સજા કરી હતી. આ કેસ સરકાર તરફથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ લડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ કેસ રૅરેસ્ટ ઑફ રૅર છે. બાળકી આરોપીને ઓળખતી હતી અને મોટા ભાઈ (દાદા) કહીને સંબોધતી હતી. તે બાળકી તેની આંગળી પકડીને, તેના પર વિશ્વાસ રાખીને તેની સાથે ગઈ હતી. તે નરાધમે એ સંબંધનું પણ ખૂન કરી નાખ્યું. આરોપીના ચહેરા પર પશ્ચાત્તાપની કોઈ અસર જણાઈ નથી.’
કોર્ટે બળાત્કાર કરીને હત્યા કરવા બદલ આરોપીને દોષી ઠેરવીને ફાંસીની સજા કરી હતી. આ ઉપરાંત નાના બાળકને ભગાડી જઈને પુરાવાનો નાશ કરવા બદલ ૭ વર્ષની કેદની પણ સજા કરી હતી. બાળકીના પરિવારને ૧૦ લાખ રૂપિયાની મદદ પણ કોર્ટે મંજૂર કરી છે. આ કેસની મુખ્ય બાબત એ હતી કે આ કેસમાં ઘટના નજરે જોનાર એક પણ સાક્ષી નહોતો. ફક્ત બાળકી આરોપી સાથે તેની આંગળ પકડીને ગઈ હતી. આરોપીનું કહેવું હતું કે તેણે ત્યાર બાદ બાળકીને છોડી દીધી હતી. CCTV કૅમેરાનું ફુટેજ પણ નહોતું. ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે ‘અમે સાંયોગિક પુરાવાઓની કડીઓ દર્શાવીને તેને ફાંસીની સજા થાય એની રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે ૬ વર્ષની એક બાળકી પર કરાયેલા બળાત્કારના આરોપીને આપેલી સજાનો અમે રેફરન્સ આપ્યો હતો તેમ જ કોર્ટને વિનંતી કરી હતી કે ભલે આરોપીની ઉંમર ઓછી હોય, એમ છતાં તેણે કરેલા કૃત્યની જાણ તો તેને થતી જ હોય છે. જો ઓછી શિક્ષા આપવામાં આવે તો પણ એમાં કોઈ સુધારો થઈ શકે એમ નથી. ઊલટાનું એ સમાજ માટે જોખમી પુરવાર થઈ શકે એમ છે.’
કોર્ટે બન્ને તરફની રજૂઆત બાદ તેને ફાંસીની શિક્ષા સંભળાવી હતી.