28 October, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેમિનાથ દિગંબર જૈન દેરાસરની બહાર આરોપી CCTVમાં કળશ લઈને જતો દેખાયો હતો.
ઘાટકોપર-ઈસ્ટના આર. બી. મહેતા માર્ગ પર વિદ્યાનિકેતન કૉલેજ નજીક આવેલા નેમિનાથ દિગંબર જૈન દેરાસરમાંથી ગુરુવારે વહેલી સવારે ૩ લાખ રૂપિયાની કિંમતના ૪૦ કિલોના કળશની ચોરી કરનાર વિજય લોંઢેની પંતનગર પોલીસે ધરપકડ કરી છે. શુક્રવારે દેરાસરના શિખર પર લાગેલો કળશ ચોરાઈ ગયો હોવાની ખાતરી થતાં દેરાસરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં દેરાસરની સેફ્ટી-વૉલ પરથી શિખર પર પહોંચ્યા બાદ અજાણ્યા યુવકે કળશની ચોરી કરી હોવાની માહિતી મળતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને રેકૉર્ડ પરના આરોપી વિજયની ઓળખ કરીને શનિવારે ઘરેથી તેની ધરપકડ કરી હતી અને મંદિરના શિખર પરથી ચોરાયેલો કળશ કબજે કર્યો હતો.
નેમિનાથ દિગંબર જૈન દેરાસરના ટ્રસ્ટી કીર્તિ જોબલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી નિમિત્તે દેરાસરમાં લગાડવામાં આવેલી લાઇટો દિવાળી પૂરી થતાં કાઢવા માટે આવેલા માણસોને દેરાસરના શિખર લાગેલો કળશ દેખાયો નહોતો એટલે તેમણે દેરાસરના પૂજારી મુકેશ પાંડેને જાણ કરી હતી. તેમણે તપાસ કરતાં કળશની ચોરી થઈ હોવાની ખાતરી થઈ એટલે અમે દેરાસરમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે ગુરુવારે સવારે સાડાચાર વાગ્યે એક યુવક દેરાસરની સેફ્ટી-વૉલ પરથી દેરાસરના શિખર પર ચડતો જોવા મળ્યો હતો. એ કળશ સફળતાપૂર્વક કાઢીને નીચે લાવ્યા બાદ બીજો કળશ કાઢવા તે પાછો ઉપર ચડતો દેખાયો હતો. જોકે બીજો કળશ નીકળી ન શક્યો. એ પછી પાછો ચોર નીચે આવીને ૪૦ કિલોનો કળશ રિક્ષામાં લઈ જતો જોવા મળ્યો હતો. અંતે આ મામલે અમે પંતનગર પોલીસ-સ્ટેશનને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.’
પોલીસ શું કહે છે?
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસ કરવા સૌથી પહેલાં અમે દેરાસરના CCTV કૅમેરાનાં ફુટેજ કબજે કરી તપાસ શરૂ કરી હતી. આ ચોરીમાં ચોરનું મોઢું ક્લિયર થઈ જતાં અમારી ટેક્નિકલ ટીમને આરોપીની ઓળખ થઈ ગઈ હતી. એ આરોપી ચેમ્બુરના તિલકનગરનો રહેવાસી હોવાની ખાતરી થતાં અમે તેના ઘરે જઈને વિજય લોંઢેની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી દેરાસરમાંથી ચોરાયેલો કળશ કબજે કરવામાં આવ્યો છે. કાયદાકીય પ્રોસીજર પૂરી થયા બાદ કળશ દેરાસરને પાછો સોંપવામાં આવશે.’