કન્ટ્રોલ રૂમમાં વારંવાર ફોન કરીને મહિલા કૉન્સ્ટેબલને ધમકી આપનારો યુવાન પકડાયો

24 October, 2021 12:45 PM IST  |  Mumbai | Vishal Singh

આરોપી મરાઠી, બંગાળી, ઉર્દૂ અને અન્ય ભારતીય બોલીઓમાં બોલતો હોવાથી પોલીસને અલગ-અલગ વ્યક્તિ કૉલ કરતી હોવાનું જણાયું હતું

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ-કૉન્સ્ટેબલને ફોન કરી ધમકી આપવા અને તેનું અપમાન કરવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)એ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેના જેલવાસના સમય દરમિયાન શીખેલા જુદા-જુદા ટોનમાં વાત કરી હતી.

એક અજાણી વ્યક્તિએ ૧૬ ઑક્ટોબરે મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને અનેક કૉલ કર્યા હતા તથા કૉલ લેનારી મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કરી તેને ધમકી આપી હતી. સીઆઇયુએ તપાસ શરૂ કરી ત્યારે આરોપી મરાઠી, બંગાળી, ઉર્દૂ અને બહુવિધ દક્ષિણ ભારતીય બોલીઓમાં બોલતો હોવાથી તેમને અલગ-અલગ વ્યક્તિ કૉલ કરતી હોવાનું જણાયું હતું.

પોલીસે ફોન નંબર ટ્રૅક કરતાં એનું લોકેશન ખારડાંડામાં ટ્રેસ થયા બાદ પોલીસે ૪૧ વર્ષના ચંદ્રશેખર ધુરી તરીકે ઓળખાયેલા કૉલરની ધરપકડ કરી હતી. ચંદ્રશેખર ધુરી વિરુદ્ધ બે ફોજદારી કેસ નોંધાયેલા છે તથા તેણે પાંચ વર્ષ તળોજા જેલમાં સજા કાપી હતી, જ્યાં તેણે કથિત રીતે આ જુદી-જુદી ભાષાઓ શીખી હતી. ચંદ્રશેખર ધુરીએ લેડી કૉન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીને આઝાદ મેદાન પોલીસને સોંપવામાં આવ્યો છે તેમ જ તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે.

mumbai mumbai news Crime News mumbai crime news vishal singh