વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ઘરે જઈ રહેલા વેપારીના ૩૫ લાખ રૂપિયા ગઠિયાઓએ લૂંટ્યા

16 December, 2021 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડમાં રહેતા ફરિયાદી સંદીપ ગુજ્જરની મલાડમાં ઑફિસ છે

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લૂંટ અને ચોરીની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી વધારો જોવા મળ્યો છે. એમાં અલગ-અલગ મોડસ ઑપરેન્ડી સાથે ગઠિયાઓ ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપતા હોય છે. સોમવારે સાંજના મલાડથી મીરા રોડ ઘરે જઈ રહેલા એક વેપારીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક બાઇકચાલકે રોક્યો હતો. વેપારી તેની સાથે વાત કરે ત્યાં સુધીમાં બીજો યુવાન કારનો કાચ તોડીને કારમાં રાખેલી ૩૫ લાખ રૂપિયા ભરેલી બૅગ લઈને નાસી ગયો હતો.
મીરા રોડમાં રહેતા ફરિયાદી સંદીપ ગુજ્જરની મલાડમાં ઑફિસ છે. સોમવારે સાંજે તેઓ ઑફિસથી નીકળીને પોતાની ફૉર્ચ્યુનર કારમાં ઘરે જઈ રહ્યા હતા. એ દરમ્યાન ત્રણ બાઇક પર સવાર યુવાનોએ તેમનો પીછો કર્યો હતો. બે બાઇકસવારે તેમની કારને ઓવરટેક કરીને આગળથી રસ્તો બ્લૉક કરીને કાર ઊભી રાખવા કહ્યું હતું. આ યુવાનોમાંના એક યુવકે સંદીપ ગુજ્જરને નીચે ઊતરીને વાત કરવા કહ્યું હતું. તેમની સાથે વાત કરવા તેઓ નીચે ઊતરે ત્યાં સુધીમાં બીજો એક બાઇકચાલક કારનો કાચ તોડી બીજી સીટ પર રાખેલી બૅગ લઈને નાસી ગયો હતો. બૅગમાં રાખેલા ૩૫ લાખ રૂપિયા વ્યાવસાયિક પૈસા હોવાની માહિતી પોલીસને સંદીપ ગુજ્જરે આપી હતી અને ફરિયાદ નોંધાવી હતી.
સમતાનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આનંદરાવ હાંકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચોરી કોઈ જાણભેદુએ જ કરી હોવાની શંકા સાથે અમે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે હાઇવે પર લાગેલા તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News western express highway