યુવતીઓનો પીછો કરીને તેમની સામે અશ્લીલ વર્તન કરતા યુવાનને પોલીસ શોધી રહી છે

03 April, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે એક વ્યક્તિએ તેમનો પીછો કરીને જાહેર જગ્યાએ તેમની સામે હસ્તમૈથુન કરીને અશ્લીલ કૃત્ય કર્યું હતું

યુવાને ગંદી હરકત કરવા છતાં યુવતીઓએ હિંમત કરીને તેનો વિડિયો લેવાનું શરૂ કરતાં આરોપી યુવાન સ્કૂટી પર તરત જ ભાગી ગયો હતો.

ફોર્ટ વિસ્તારમાં યુવતીઓનો પીછો કરીને તેમની સામે જ જાહેરમાં હસ્તમૈથુન કરવાની ચિંતાજનક ઘટના સામે આવી છે. યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે એક વ્યક્તિએ તેમનો પીછો કરીને જાહેર જગ્યાએ તેમની સામે હસ્તમૈથુન કરીને અશ્લીલ કૃત્ય કર્યું હતું. આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપી યુવાનને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

યુવતીઓના જણાવ્યા મુજબ જ્યારે તેમણે જોયું કે એક માણસ તેમનો પીછો કરી રહ્યો છે અને તેમને ગંદી રીતે જોઈ રહ્યો છે એટલે તેને ટાળવા માટે સુરક્ષિત અને વધુ ભીડવાળા સ્થળે તેઓ જતી રહી હતી. જોકે તે વ્યક્તિએ તેમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે તે માણસ નજીકના ઝાડ નીચે બેસી ગયો હતો અને યુવતીઓ સામે જોઈને હસ્તમૈથુન કરવાનું શરૂ કરી દીધું હતું. આવું કૃત્ય જોઈને યુવતીઓ ચોંકી ઊઠી હતી. એમ છતાં તેમણે મોબાઇલમાં તેનો વિડિયો બનાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે આરોપી યુવાનને જ્યારે ખબર પડી કે તેનો વિડિયો બનાવાઈ રહ્યો છે ત્યારે તરત જ તે ઝડપથી ત્યાંથી તેની સ્કૂટી પર જતો રહ્યો હતો. જોકે યુવતીઓએ પાડેલા વિડિયોમાં તેની સ્કૂટીનો રજિસ્ટ્રેશન નંબર દેખાય છે. આરોપી માઝગાવ વિસ્તારનો હોઈ શકે એવી પોલીસને શંકા છે.

પોલીસ અધિકારીઓએ વિડિયો પુરાવાની નોંધ લીધી છે અને આરોપીને શોધી કાઢવા રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસની મદદ લેવાઈ રહી છે. તે સ્કૂટી પર ક્યાંથી ક્યાં ગયો એનાં CCTV કેમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ પોલીસ કરી રહી છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ જતાં લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. 

ડોમ્બિવલીમાં મહિલા-સિક્યૉરિટી ગાર્ડ પર સામૂહિક બળાત્કાર : ત્રણ પરિચિત રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ

ડોમ્બિવલીમાં બાવીસ વર્ષની મહિલા સિક્યૉરિટી ગાર્ડ પર સામૂહિક બળાત્કાર ગુજારવાના આરોપમાં પોલીસે ત્રણ રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ૨૭ માર્ચની રાત્રે બની હતી. પીડિત મહિલા ત્રણેય આરોપીઓથી પરિચિત હતી. આરોપીઓએ મહિલાને એક ફ્લૅટમાં પાર્ટીના બહાને બોલાવી હતી, જ્યાં તેની સાથે સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો. ભોગ બનનાર મહિલાએ બીજા દિવસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે તાત્કાલિક વિશેષ ટીમોની રચના કરી હતી. તપાસના આધારે પોલીસે ૨૯ માર્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. 

mumbai news mumbai fort social media mumbai police Crime News mumbai crime news