રાતે પુરુષ અને દિવસે કિન્નર બનીને લોકોને છેતરતો આરોપી પકડાઈ ગયો

24 October, 2021 09:02 AM IST  |  Mumbai | Mehul Jethva

લોકોને અંધશ્રદ્ધામાં ભોળવીને પૈસા-દાગીના પડાવી લેતો : સવારે ઘરેથી નીકળતો અને દૂર જઈને સાડી પહેરીને કિન્નર બની જતો

આરોપી જિતુ પરમાર કિન્નરના વેશમાં લક્ષ્મીજીના અવતારમાં

વસઈમાં રહેતો જિતુ પરમાર રાતે પુરુષ બનીને ઘરે રહેતો અને દિવસ દરમ્યાન કિન્નર બનીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. છેલ્લા એક વર્ષથી તેને શોધી રહેલી પંતનગર પોલીસના હાથમાં આખરે જિતુ ઝડપાઈ ગયો છે. જિતુ ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા એક પરિવાર સાથે અંધશ્રદ્ધાના નામે છેતરપિંડી કરી તેમના દાગીના લઈને નાસી ગયો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે તે ઘરેથી બૅગમાં સાડી અને તૈયાર થવાનો સામાન લઈને નીકળતો અને ઘરથી થોડે દૂર જઈ કિન્નરનો વેશ ધારણ કરતો હતો.

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા એક પરિવારના ઘરે ગયા વર્ષે ૧૩ નવેમ્બરે જિતુ પરમાર લક્ષ્મીજી (કિન્નર)નું રૂપ ધારણ કરીને ગયો હતો અને ત્યાં તેણે વિદ્વાન હોવાનો દાવો કરી પરિવારને પોતાની વાતમાં ભોળવીને કહ્યું કે ‘તમારા પરિવાર પર દુઃખનો પડછાયો છે. તમારા ઘરથી લક્ષ્મીમાતા (પૈસા) નારાજ છે. તમારા ઘરમાં કોઈકે મેલી વિદ્યા કરી છે. જો તમારે લક્ષ્મીમાતાને રાજી કરવાં હોય તો આજે શુક્રવાર છે. ઘરમાં જેટલા લોકો છો એ બધાએ પહેરેલા દાગીના કાઢીને એક રૂમાલમાં મૂકી દેવાના. પછી એને ચાર રસ્તા પર માત્ર બે મિનિટ માટે રાખવાના એટલે લક્ષ્મીજી રાજી થઈ જશે.’

આમ કહીને તેણે બધાના દાગીના કઢાવ્યા અને પછી એક રૂમાલમાં બાંધીને પરિવારના એક સિનિયર સિટિઝનને કહ્યું કે આ દાગીના તમે ઉપાડો અને મારી આગળ-આગળ ચાલો. ઘરથી થોડે દૂર આવ્યા પછી જિતુએ દાગીના પોતાના હાથમાં લઈ લીધા અને કહ્યું કે ‘તમે મને પાછળ ફરીને જોતા નહીં. તમે સીધેસીધા ઘરે ચાલ્યા જાઓ. હું તમારી પાછળ આવું છું.’

આમ કહીને દાગીના લઈને જિતુ નાસી ગયો હતો. કલાકો સુધી રાહ જોયા પછી પણ જિતુનો કોઈ પત્તો ન લાગતાં પરિવારજનોએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પંતનગર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપી લોકોને અંધશ્રદ્ધામાં ભોળવીને પૈસા-દાગીના પડાવી લેતો હતો. સવારના ભાગમાં તે ઘરેથી નીકળતો અને થોડે દૂર ગયા પછી સાડી પહેરીને કિન્નર બની જતો. આરોપી વસઈમાં પત્ની સાથે રહે છે અને તેને એક સંતાન પણ છે.’

mumbai mumbai news Crime News mehul jethva