પિતા-પુત્રનો મોતમાં પણ સાથ

04 October, 2022 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્ર સોસાયટીમાં ગરબા રમીને ઘરે આવ્યો અને તબિયત લથડતાં ઊલટી કરવા લાગ્યો : પરિવારજનો તેને તરત હૉસ્પિટલ લઈ ગયા, પણ રિક્ષાની બહાર કાઢતાં જ ઢળી પડ્યો : દીકરાને ઢળી પડતો જોઈને પપ્પા પણ ઢળી પડ્યા : સોસાયટીએ રાસ-ગરબા બંધ રાખ્યા

વિરારમાં એવરશાઇન ઍવન્યુ એ-૬ સોસાયટીમાં રહેતા પિતા નરપતજી જૈન અને પુત્ર મનીષ જૈને સાથે જીવ ગુમાવ્યો હતો.

વિરારમાં રહેતા જૈન મારવાડી પરિવારના પિતા-પુત્રની અણધારી વસમી વિદાય થઈ છે. પુત્રનાં ચારેક મહિના પહેલાં જ ધામધૂમથી લગ્ન થયાં હતાં અને મોટા દીકરાની વહુ પ્રેગ્નન્ટ પણ છે. ઘરમાં ખુશીનો માહોલ અચાનક દુખમાં પરિવ​ર્તિત થઈ ગયો છે. ગરબા રમીને ઘરે આવ્યા બાદ દીકરાની તબિયત અચાનક લથડી જતાં તેને હૉસ્પિટલ લઈ જતી વખતે રિક્ષામાંથી ઊતરતાં જ તે ઢળી પડ્યો હતો. પાછળની રિક્ષામાં બેસેલા પિતાએ એ દૃશ્ય જોઈને તેઓ પણ રિક્ષામાંથી ઊતરતાં ઢળી પડ્યા હતા અને બન્નેએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો હતો. રવિવારે સાંજે બન્નેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

વિરાર-વેસ્ટમાં આવેલી ગ્લોબલ સિટીમાં એવરશાઇન ઍવન્યુ એ-૬માં રહેતા મુંડાર ગામના ૬૬ વર્ષના નરપતજી જૈન તેમની પત્ની, ૩૫ વર્ષના નાના દીકરા મનીષ, મોટા દીકરા રાહુલ અને તેની પત્ની સાથે રહેતા હતા. નવરાત્રિ દરમ્યાન દરરોજની જેમ મનીષ બિલ્ડિંગની નીચે ગરબા રમવા ગયો હતો. રમીને ઘરે આવ્યા પછી તબિયત સારી ન લાગતાં તેને ગભરામણ થવા લાગી હતી. 
આ વિશે અર્નાળા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ માણેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગરબા રમીને મનીષ ઘરે આવ્યો હતો. ત્યારે તબિયત સારી ન લાગતાં તેણે પાણી પીધું અને તરત જ ઊલટી થઈ હતી. તબિયત વધુ ખરાબ થતાં પરિવારજનો તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. મનીષને પહેલાં નજીક આવેલા ડૉક્ટર પાસે લઈ ગયા હતા, પરંતુ તેની તબિયત વધુ ખરાબ હોવાથી ડૉક્ટરે તેને આઇસીયુની જરૂર છે એટલે બીજી હૉસ્પિટલમાં લઈ જવો પડશે એમ કહ્યું હતું. મનીષને રિક્ષામાં સ્ટેશન પાસે આવેલી સંજીવની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલ પાસે પહોંચતાં રિક્ષામાંથી બહાર નીકળતાં જ તે ત્યાં જ ઢળી પડ્યો હતો. મનીષને ઢળી પડેલો જોઈને તેના પપ્પા પણ આઘાતમાં આવી ગયા હતા અને અચાનક તેઓ પણ ત્યાં ઢળી પડ્યા હતા. મનીષનાં ચારેક મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. અમે બન્નેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા, જેના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે કાર્ડિઍક અટૅકને કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.’

પરિવારના મોટા દીકરા રાહુલ જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મનીષની હાલત ખરાબ થતાં હું, પપ્પા અને મારો એક મિત્ર તેને લઈને હૉસ્પિટલમાં ગયા હતા. એ વખતે હૉસ્પિટલની બહાર પહોંચતાં મનીષને સિવિયર અટૅક આવતાં તે પડી ગયો હતો. પપ્પા પણ રિક્ષામાંથી ઊતરી રહ્યા હતા. મનીષને પડી જતો જોઈને તેમને પણ ખૂબ આઘાત લાગ્યો અને અટૅક આવતાં તેઓ પણ પડી ગયા હતા. હૉસ્પિટલમાં ઍડ‍્મિશન લઈએ એ પહેલાં બન્નેએ જીવ ગુમાવ્યો હતો.’

સોસાયટીએ નવરાત્રિ બંધ રાખી

અચાનક એક ઘરમાંથી બે જણ જતા રહેવાથી પરિવારની કફોડી હાલત થઈ છે. એટલે સોસાયટીમાં કરેલી માતાજીની ઘટસ્થાપનામાં આરતી કરવામાં આવે છે અને નવરાત્રિના રાસ-ગરબા બંધ રાખવામાં આવ્યા છે.

mumbai mumbai news navratri virar