શાહરુખ ખાનના મન્નતમાં ચોરે કર્યો હતો ઘૂસવાનો પ્રયત્ન, હવે ગુજરાતથી થઈ ધરપકડ

21 February, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Man who trespassed into Shahrukh Khan’s Mannat: શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત બંગલા ‘મન્નત’માં 2023માં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સને હવે ગુજરાતના ભરૂચમાં ચોરી કરતા પોલીસે ઝડપી પાડ્યો છે.

શાહરુખ ખાન અને મન્નત (ફાઇલ તસવીર)

પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત બંગલા ‘મન્નત’માં 2023માં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સને હવે ગુજરાતના ભરૂચમાં ચોરી કરતા પોલીસે ઝડપી પાડ્યો છે. ગુજરાત પોલીસે બુધવારે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, ભરૂચમાં રહેતા સેનાના નિવૃત્ત જવાનના ઘરમાં ચોરી કરવાના આરોપમાં રામસ્વરૂપ કુશવાહા (21) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

2.74 લાખ રૂપિયાની કરી ચોરી
ભરૂચના વરિષ્ઠ પોલીસ અધિકારી સી.કે. પટેલે જણાવ્યું કે આરોપી રામસ્વરૂપ કુશવાહાએ તેના સાથી સાથે મળીને ચાર દિવસ પહેલા એક ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેણે ત્યાંથી 2.74 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોનાના અને ચાંદીના દાગીના ચોરી લીધા હતા. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપી રામસ્વરૂપ કુશવાહાાએ ખુલાસો કર્યો કે અગાઉ તેણે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલા શાહરુખ ખાનના પ્રખ્યાત બંગલા ‘મન્નત’માં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

શાહરુખ ખાનના બંગલામાં ઘૂસવાનો પ્રયાસ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રામસ્વરૂપ કુશવાહાાએ તેના સાથીદાર સાથે મળીને શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની સુરક્ષા તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર શાહરુખ ખાનના સુરક્ષા ગાર્ડ્સે કુશવાહાા અને તેના સાથીદારને ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે, 2 મે, 2023ના રોજ સવારે આ મામલામાં બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતા.

ભરૂચમાં ચોરી કેસમાં ઝડપાયા
પોલીસના જણાવ્યા મુજબ રામસ્વરૂપ કુશવાહાા અને તેના સાથીદાર મિનહાજ સિંધાને ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે મોના પાર્ક સોસાયટીમાં આવેલા એક ઘરમાંથી ચોરીના આરોપ માટે ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓના પાસેથી 2.74 લાખ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. 

શાહરૂખ ખાન પાસે સંપત્તિની કોઈ કમી નથી. મુંબઈ ઉપરાંત, તેનું દુબઈ અને લંડનમાં પણ પોતાનું ઘર છે. એક તરફ ‘મન્નત’ સાથે જોડાયેલી આ ઘટનાએ હલચલ મચાવી, તો બીજી તરફ, શાહરુખ ખાનના નવા રોકાણની પણ ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં, શાહરૂખે મુંબઈના પોશ પાલી હિલ વિસ્તારની ‘પૂજા કાસા’ બિલ્ડિંગમાં બે લક્ઝરી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ્સ ભાડે લીધાં છે. આ બંને એપાર્ટમેન્ટ્સ પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યૂસર વાશુ ભગનાની અને તેમના પુત્રી રકુલપ્રીત સિંહના પતિ, જૈકી ભગનાનીની મિલકત છે. એક એપાર્ટમેન્ટ માટે શાહરુખ મહિને 11.54 લાખ અને બીજાં માટે 12.61 લાખ રૂપિયા ભાડું ચૂકવશે. આ સોદો 3 વર્ષ માટે કરવામાં આવ્યો છે, અને કુલ 8.67 કરોડ રૂપિયાનું રેન્ટલ એગ્રિમેન્ટ કરવામાં આવ્યું છે.

‘કિંગ’ ફિલ્મમાં વ્યસ્ત શાહરુખ
અભિનેતા લાંબા સમયથી તેની આગામી ફિલ્મ `કિંગ`ને લઈને સમાચારમાં છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. સુજોય ઘોષ દ્વારા લિખિત આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની શક્યતા છે.`મુંજ્યા` ફેમ અભિનેતા અભય વર્મા પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન વિલનની ભૂમિકામાં જોવા મળશે

Shah Rukh Khan mannat rakul preet singh Crime News mumbai crime news bharuch Gujarat Crime gujarat news gujarat