23 December, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માણિકરાવ કોકાટે
સુપ્રીમ કોર્ટે સોમવારે નાશિક હાઉસિંગ ફ્રૉડ કેસમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેની સજા પર સ્ટે મૂક્યો છે.
બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા માણિકરાવ કોકાટેને ફટકારવામાં આવેલી સજા પર સ્ટે આપવાના ઇનકારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે માણિકરાવ કોકાટેની અરજી પર મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમની મેમ્બરશિપ યથાવત રાખી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કાર્યવાહી બાકી હોય ત્યાં સુધી માણિકરાવ કોકાટેને કોઈ પણ સરકારી સત્તાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બૉમ્બે હાઈ કોર્ટે કોકાટેની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેમની બે વર્ષની જેલની સજા સ્થગિત કરી હતી અને સેશન્સ કોર્ટના ચુકાદા સામે તેમની રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન તેમને ધરપકડથી રક્ષણ આપ્યું હતું.