01 September, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા સમાજને અનામત આપવા સંદર્ભે ભલામણો આપવા નિમાયેલી ભૂતપૂર્વ જજ સંદીપ શિંદે સમિતિ ગઈ કાલે બપોરે મનોજ જરાંગેને જઈને આઝાદ મેદાનમાં મળી હતી. જોકે એ બેઠક પછી પણ કોઈ ઉકેલ ન આવતાં મનોજ જરાંગેએ તેમનું આંદોલન સમેટવાનો ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, આ આંદોલન વધુ તીવ્ર બનશે એવો અણસાર આપતાં સમિતિને કહ્યું હતું કે ‘તમારા હાથમાં અનામત મંજૂર કરવા હજી છથી ૭ દિવસનો સમય છે. નહીં તો પછી આવતા શનિવારે-રવિવારે એક પણ મરાઠા ઘરે નહીં મળે. બધા જ મરાઠાઓ અહીં આંદોલનમાં જોવા મળશે. આવતી કાલથી જ સર્ટિફિકેટ આપવાનું ચાલુ કરી દો. સાતારા હૈદરાબાદ ગૅઝેટ પ્રમાણે સર્ટિફિકેટ આપો. સમિતિએ ૧૩ મહિના સુધી હૈદરાબાદ ગૅઝેટિયર પર અભ્યાસ કર્યો છે. હવે એ માટે પણ વધુ સમય નહીં આપીએ.’
આમ પણ રોકાય રસ્તો
મરાઠા આંદોલકોની જે.જે. ફ્લાયઓવર પરથી તેમનાં વાહનો લઈ જવાની કોશિશ પોલીસે ફેલ કરી નાખી હતી. પોલીસનું કહેવું હતું કે મરાઠા આંદોલનનાં જ નહીં, કોઈ પણ વાહનોને જે.જે. ફ્લાયઓવર પરથી જવા દેવાની પરવાનગી નથી એટલે આંદોલનકારીઓ ગિન્નાયા હતા. એક આંદોલનકારીએ કહ્યું હતું કે જો અમારી ગાડીઓને ફ્લાયઓવર પરથી નહીં છોડવામાં આવે તો અમે નીચેથી પણ ગાડીઓને જવા નહીં દઈએ એમ કહીને એ રસ્તા પર જ સૂઈ જતાં નીચેથી જતાં વાહનો પણ અટકી ગયાં હતાં અને ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. જોકે અડધા કલાક સુધી પોલીસે મચક નહોતી આપી, પણ એ પછી વાહનોનો ભરાવો થતાં આખરે આંદોલનકારીઓને તેમનાં વાહનો સાથે જે.જે. ફ્લાયઓવર પરથી જવાની પરવાનગી આપવી પડી હતી. તસવીર ઃ અતુલ કાંબળે
અનામતની કબડ્ડી
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મરાઠાઓએ છેલ્લા બે દિવસથી આઝાદ મેદાન પરિસરમાં ધામા નાખ્યા છે. તેમના નેતા મનોજ જરાંગે અનશન પર ઊતર્યા છે અને નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે કેટલાક યુવાન આંદોલકો સમય પસાર કરવા માટે મેદાનની હુતુતુતુની રમત રોડ પર જ રમવા માંડ્યા હતા. તસવીર : નિમેશ દવે
આંદોલનકારીઓએ રોટલી-શાક રસ્તા પર બેસીને જ ઓહિયાં કર્યું હતું. શાકમાં ઝટપટ બની જતું ચણાના લોટનું શાક (ઝુણકા) પીરસવામાં આવ્યું હતું. ઘણા લોકો પોતાના વાહનમાં જ જમવાનું બનાવતા હતા, જ્યારે કેટલાકે અન્ય લોકો જે ખાવાનું આપે એના પર આધાર રાખ્યો હતો.
જરાંગેએ આ પહેલાંના આંદોલન વખતે મરાઠાઓ સામે કરવામાં આવેલા કેસ પાછા ખેંચવાની પણ માગણી કરી હતી. તેમણે એ કેસ પાછા ખેંચવા સમિતિને કહ્યું ત્યારે સમિતિએ કહ્યું હતું કે એ કેસ પાછા ખેંચવા એક મહિનાનો સમય લાગશે. ત્યારે જરાંગેએ કહ્યું હતું કે ‘એક મિનિટનો પણ સમય નહીં આપીએ. મરાઠા અને કુણબી એક જ છે એવું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) કાઢશો નહીં ત્યાં સુધી હું હવે અહીંથી ઊઠીશ નહીં. સરકાર નકામી સમિતિને આગળ કરે છે. ફડણવીસ સમિતિને મોકલીને રાજ્ય સહિત સરકારનું અપમાન કરે છે. ફડણવીસ કાયદા મંડળનું અપમાન કરી રહ્યા છે. મરાઠા અને કુણબી એક જ છે એની ૫૮,૦૦૦ નોંધ મળી આવી છે. GR કાઢવો એ કંઈ કમિટીનું કામ નથી. મરાઠાઓને કુણબી હોવાના દાખલા આપો.’