આવા લોકોને સૅલ્યુટ કરો, ૧૦૦ તોપની સલામી આપો

23 May, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઇક ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરીને પોતાની સાથે બીજા લોકોના જીવ જોખમમાં મૂકનારાઓને મરાઠી અભિનેતા સ્વપ્નિલ રાજશેખરે ટોણો માર્યો

ટૂ-વ્હીલર ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરી રહેલી એક વ્યક્તિ અને આવા લોકોને ટોણો મારતો વિડિયો પોસ્ટ કરનારા મરાઠી અભિનેતા ‌સ્વપ્નિલ રાજશેખર.

કેટલાક લોકો બાઇક ચલાવતી વખતે મોબાઇલ ફોનમાં વાત કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં અકસ્માત થઈ શકે છે. આવા લોકો પોતાની સાથે બીજાઓનો જીવ પણ જોખમમાં મૂકે છે. આ લોકો વિશે મરાઠી અભિનેતા સ્વપ્નિલ રાજશેખરે એક વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. એમાં અભિનેતા કહે છે, ‘આ જે ટૂ-વ્હીલર પર એક કાન પર મોબાઇલ રાખીને બાઇક ચલાવનારા લોકો હોય છે તેઓ સાધારણ માણસ નથી હોતા. તમે તેમને સામાન્ય માણસ જરાય નહીં ગણતા. તેઓ ખૂબ મહત્ત્વના માણસ છે. તેમને ખૂબ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાનું મને લાગે છે. આપણા દેશની સુરક્ષા મોટા ભાગે તેમના હાથમાં છે. આપણી ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડનો સ્લીપર સેલ પણ આ લોકોને ફોન કરીને માહિતી મેળવે છે. પોતાની સાથે બીજાઓનો જીવ પણ જોખમમાં મૂકવાનું રિસ્ક તેઓ આપણા માટે જ લે છે એવો મારો અંદાજ છે. આતંકવાદી હુમલો થવાની માહિતી મળ્યા બાદ તેઓ ચાલતી બાઇકે વડા પ્રધાનની ઑફિસમાં ફોન કરીને જાણ કરે છે. તેમની પાસે બાઇક એક તરફ ઊભી રાખીને ફોન કરવાનો પણ સમય નથી હોતો એટલું મહત્ત્વનું કામ તેઓ કરી રહ્યા છે. આથી ચાલતી બાઇકે મોબાઇલ પર વાત કરતા લોકો પર ગુસ્સો ન કરો કે તેમને ગાળો ન આપો, સૅલ્યુટ કરો. તેમને ૧૦૦ તોપની સલામી આપવી જોઈએ.’

mumbai news mumbai social media mumbai traffic mumbai traffic police