02 July, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. આ વિવાદને લઈને સામાન્ય નાગરિકોના જીવન પર ઘણી ઊંડી અસર થઈ રહી છે. કેટલાક રાજકીય પક્ષોના કાર્યકરો સામાન્ય લોકો પર મરાઠી બોલવાનું દબાણ કરીને તેમની સાથે મારપીટ કરી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં એવી જ એક ઘૃણાસ્પદ ઘટના મુમઇના મીરા રોડ વિસ્તારમાંથી સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોનો આક્રોશ જોવા મળ્યો છે અને તેઓ આ અસમાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ ગુસ્સે ભરાયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ અનેક વખત થપ્પડ મારી હતી. ત્રણ MNS કાર્યકરોએ રેસ્ટોરન્ટ માલિકનો સામનો કર્યો અને તેને પૂછ્યું કે તે મરાઠીમાં કેમ નથી બોલી રહ્યો. આ મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી રોષ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
રેસ્ટોરન્ટ માલિકે શરૂઆતમાં શાંતિથી જવાબ આપતા કહ્યું, "મને ખબર નહોતી કે મરાઠી ફરજિયાત છે. કોઈએ મને શીખવવું પડશે." આ નિવેદનથી MNS કાર્યકર ગુસ્સે થયો હોવાનું કહેવાય છે. ગુસ્સામાં આ કાર્યકરોએ જવાબ આપ્યો, "આ મહારાષ્ટ્ર છે... તમે કયા રાજ્યમાં કામ કરો છો?" જેના પર માલિકે જવાબ આપ્યો, "મહારાષ્ટ્ર." પછી MNS કાર્યકરએ પૂછ્યું, "મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલાય છે?" અને માલિકે બેદરકારીથી જવાબ આપ્યો, "મહારાષ્ટ્રમાં બધી ભાષાઓ બોલાય છે." તે સમયે, કાર્યકર ગુસ્સે થઈ ગયો અને રેસ્ટોરન્ટ માલિકને અનેક વખત થપ્પડ મારી. વીડિયો કૅમેરામાં રેકોર્ડ થયો.
અહીં જુઓ સંપૂર્ણ વીડિયો
આ વીડિયો વાયરલ થતાં કેટલાક લોકોએ મરાઠીને સ્થાનિક ભાષા તરીકે જાળવવાની જરૂરિયાતને સમર્થન આપે છે, ત્યારે અન્ય લોકોએ તેને લાદવા માટે હિંસાના ઉપયોગની નિંદા કરી. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે, અને વધુ તપાસ ચાલી રહી છે. આ લખાય છે ત્યારે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
ઘણા લોકોએ મનસે કાર્યકરોની ટીકા કરી છે અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. એકે લખ્યું “આવું વર્તન જોઈને દુઃખ થાય છે.. કોઈ પર હુમલો કરવો એ સ્વીકાર્ય નથી.. હું મહારાષ્ટ્રીયન છું પણ આ જોઈને મને તકલીફ થાય છે.. મહારાષ્ટ્ર આટલું વૈવિધ્યસભર રાજ્ય છે અને ફક્ત રાજકીય વ્યસ્તતા માટે કેટલાક લોકો તેને બરબાદ કરી રહ્યા છે..” તો બીજા લોકોએ મનસેના વડા રાજ ઠાકરે અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટૅગ કરીને આ અંગે ફરિયાદ કરી છે.