મરાઠી પાટિયા બાબતે ૨૩ ફેબ્રુઆરીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટેની માગણી

05 October, 2022 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ મરાઠી બોર્ડના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી છે

ફાઇલ તસવીર

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ મરાઠી બોર્ડના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. જોકે સરકારે આજ સુધી સુપ્રીમ કોર્ટે મોકલાવેલી નોટિસનો જવાબ આપ્યો નથી. આથી આ રિટ પિટિશનની સુનાવણી શરૂ થવામાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ રિટ પિટિશન પર કોઈ દિશાનિર્દેશો આપે નહીં ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકા દુકાનદારો કે સંસ્થાનો પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં એવા સ્ટેની ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં માગણી કરવામાં આવી છે. આજે દશેરાની રજા હોવાથી આવતી કાલે ફેડરેશનની સ્ટેની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

આ માહિતી આપતાં ફેડરેશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની દુકાનો અને સંસ્થાઓ (રોજગારનું નિયમન અને સેવાની શરતો)માં લાવવામાં આવેલા સુધારાની બંધારણીયતાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં અધિનિયમ ૨૦૧૭ અધિનિયમની કલમ ૩૬-એ તેમ જ મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) નિયમો, ૨૦૧૮ના નિયમ ૩૫ની માન્યતાને પડકારવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. જ્યાં સુધી ફેડરેશન તરફથી કરવામાં આવેલી રિટ પિટિશન પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકા બળજબરીપૂર્વક દુકાનદારો કે સંસ્થાનો પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં એ હેતુથી ફેડરેશનને મહારાષ્ટ્ર સરકારના ૨૦૨૨ની ૨૩ ફેબ્રુઆરીના આદેશ પર સ્ટે આપવાની અરજી સુ‌‌પ્રીમ કોર્ટમાં કરી છે. આ અરજી આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ થશે.’ 

mumbai mumbai news supreme court