જન્મદિવસ બન્યો જીવલેણ

28 April, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાતે મિત્રો સાથે મુલુંડમાં બર્થ-ડે મનાવ્યા પછી કફ પરેડમાં રહેતી ફ્રેન્ડને લઈને લૉન્ગ ડ્રાઇવ પર ​નીકળેલા બેફામ ટીનેજરે મરીન ડ્રાઇવ પર એક સિનિયર સિટિઝનને અડફેટે લીધા, ત્રણેયનાં મોત

અકસ્માતમાં જીવ ગુમાવનાર ચાંદની શેખ (ડાબે) અને કિશોર લામણે (જમણે)

મરીન ડ્રાઇવના પારસી ગેટ નજીક ગઈ કાલે વહેલી સવારે બનેલા ભયાનક માર્ગ-અકસ્માતમાં ૩ લોકોનાં મોત થવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મામલે મરીન ડ્રાઇવ પોલીસે મુલુંડમાં રહેતા ૧૯ વર્ષના બાઇકર ક્રિષ્ના દેસાઈ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ અકસ્માતમાં ક્રિષ્ના ઉપરાંત ગિરગામના ૬૫ વર્ષના કિશોર લામણે તથા કફ પરેડમાં રહેતી ૧૮ વર્ષની ચાંદની શેખનાં મૃત્યુ થયાં હતાં. ક્રિષ્નાનો રવિવારે જન્મદિવસ હોવાથી તે મિત્રો સાથે મુલુંડમાં ડિનર કર્યા બાદ પોતાની બાઇક પર ચાંદનીને મળવા ગયો હતો અને તેને ઘરેથી લઈને લૉન્ગ ડ્રાઇવ પર નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

અકસ્માત કઈ રીતે થયો?

મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીલેશ બાગુલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે આશરે ૬ વાગ્યાની આસપાસ એન. એસ. રોડની નૉર્થ સાઇડથી પૂરપાટ વેગે પસાર થતી બાઇકે પારસી ગેટની નજીક ચાલતા જતા એક વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધ સાથે બાઇક પર સવાર યુવક અને યુવતી પણ ગંભીર રીતે જખમી થયાં હતાં. અકસ્માત દરમ્યાન સામેથી આવતાં બે સ્કૂટર પણ બાઇક સાથે અથડાયાં હતાં. તાત્કાલિક તમામ જખમી થયેલા લોકોને સારવાર માટે જી. ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતની ગંભીરતા એટલી વધારે હતી કે હૉસ્પિટલમાં પહોંચતાં જ ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં બાઇકના ભાગો જેમ કે ટાયર, સાઇલેન્સર અને શૅસિ તૂટીને અલગ પડી ગયાં હતાં.’

બાઇકનો કચ્ચરઘાણ નીકળેલો જોઈને અકસ્માતની ભયાવહતાનો અંદાજ આવી શકે છે. (તસવીરો : આશિષ રાજે)

યુવતીની ઓળખ કરવી પોલીસ માટે બન્યો પડકાર

સિનિયર ઇન્સ્પેક્ટર નીલેશ બાગુલે વધુમાં કહ્યું હતું કે ‘ગિરગામના રહેવાસી ૬૫ વર્ષના કિશોર લામણે દરરોજની જેમ મૉર્નિંગ વૉક માટે ચાલતા મરીન ડ્રાઇવ તરફ જઈ રહ્યા હતા. બીજી તરફ મુલુંડ-ઈસ્ટના નવઘર વિસ્તારમાં રહેતો ક્રિષ્ના દેસાઈ રવિવારે તેનો જન્મદિવસ હોવાથી મોડી રાત્રે મિત્રો સાથે ડિનર કર્યા બાદ ઘરે જઉં છું એમ કહીને તે મરીન ડ્રાઇવ આવ્યો હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ કિશોર લામણે અને ક્રિષ્ના દેસાઈની ઓળખ તેમના ખિસ્સામાંથી મળેલાં ID કાર્ડ પરથી થઈ હતી, જ્યારે યુવતી પાસેથી કોઈ ID કાર્ડ કે મોબાઇલ ન મળતાં તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. યુવકનો પરિવાર પણ તેને ઓળખતો નહોતો એટલે અમે યુવકના મોબાઇલમાંથી યુવતીની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોબાઇલ લૉક હોવાથી એને ખોલવામાં પાંચથી ૬ કલાકનો સમય લાગ્યો હતો. અંતે મોબાઇલ અનલૉક થયા બાદ યુવકે છેલ્લે જેને ફોન કર્યો હતો એના આધારે યુવતીની ઓળખ ચાંદની શેખ તરીકે થઈ હતી.’

મૃત્યુ પામેલા યુવક સામે ફરિયાદ નોંધી

સિનિયર ઇન્સ્પેક્ટર નીલેશ બાગુલે કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે યુવક પૂરપાટ વેગે બાઇક ચલાવી રહ્યો હોવાથી આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે એટલે તેની સામે ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. યુવાન ડિલિવરીનું કામ કરતો હતો, યુવતી ઘરે જ રહેતી હતી અને વૃદ્ધ નિવૃત્ત હતા.’

marine drive road accident mumbai mumbai news mumbai police mulund