જૈનોની એકતા અને આક્રમકતાનું જબરદસ્ત પ્રદર્શન

21 April, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્લા-ઈસ્ટના જૈન મંદિરને તોડવાના વિરોધમાં કાઢવામાં આવેલી અહિંસક રૅલીમાં ૨૫,૦૦૦ જૈનો ઊમટ્યા : તોડકામનો આદેશ આપનારા BMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ તોડી નાખવામાં આવેલા જૈન મંદિરનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ

જૈન રૅલી

પાર્લા-ઈસ્ટના જૈન મંદિરને તોડવાના વિરોધમાં કાઢવામાં આવેલી અહિંસક રૅલીમાં ૨૫,૦૦૦ જૈનો ઊમટ્યા : તોડકામનો આદેશ આપનારા BMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો: તોડી નાખવામાં આવેલા જૈન મંદિરનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ : આજે ટેમ્પરરી શેડ ઊભો કરીને ભગવાનની ફરી સ્થાપના કરીને પૂજા-અર્ચના શરૂ કરવામાં આવશે

જૈન મંદિરને તોડવાના વિરોધમાં મોટી સંખ્યામાં જૈનો સવારના રસ્તા પર ઊતરી આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમની માગણીને માન્ય રાખીને ગઈ કાલે સાંજે તોડકામના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

 

વિલે પાર્લે-ઈસ્ટમાં કાંબલીવાડી વિસ્તારમાં આવેલા ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તોડી પાડ્યું એના વિરોધમાં ગઈ કાલે વિલે પાર્લેથી અંધેરી સુધી જૈનોની અભૂતપૂર્વ અહિંસા રૅલી કાઢવામાં આવી હતી જેમાં મુંબઈ જ નહીં, થાણે, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, નવી મુંબઈ, પુણે ઉપરાંત ગુજરાત અને છેક મધ્ય પ્રદેશમાંથી આવેલા ૨૫,૦૦૦થી વધુ જૈનોની સાથે દિગમ્બર ઉપરાંત શ્વેતામ્બર જૈનોનાં સાધુ-સાધ્વી પણ સામેલ થયાં હતાં. સામાન્ય રીતે શાંત રહેતા જૈનોએ BMCની કાર્યવાહી સામે પ્રચંડ રોષ વ્યક્ત કરવાની સાથે આક્રમકતા દાખવી હતી. તેઓ દ્વારા BMCની કે-ઈસ્ટ વૉર્ડ ઑફિસમાં જઈને નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તોડકામનો ઑર્ડર આપનારા અધિકારીને સસ્પેન્ડ કરવાની, BMC પોતાના ખર્ચે નવું જૈન મંદિર બાંધે અને જાહેરમાં માફી માગે એવી માગણી કરી હતી. જૈન વિધાનસભ્યો મંગલ પ્રભાત લોઢા અને પરાગ શાહે BMCના કમિશનર-કમ-ઍડ્‍મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીને ફોન કરીને માગણીઓ પૂરી કરવાનું કહ્યું હતું. આથી કે-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નવનાથ ઘાડેગેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તોડકામના સ્થળેથી કાટમાળ દૂર કરવાનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. આજે ટેમ્પરરી શેડ ઊભો કરીને ભગવાનને પધરાવાશે અને પૂજા-અર્ચના શરૂ કરવામાં આવશે.

૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૯૮માં કાયદેસર શરૂ કરવામાં આવેલા જૈન મંદિરને BMCએ અચાનક તોડી પાડવા સામે મુંબઈ અને મહારાષ્ટ્ર જ નહીં, દેશભરના જૈન સમાજમાં જબરદસ્ત આક્રોશ વ્યાપી ગયો છે. અમે આ કાર્યવાહીના વિરોધમાં અહિંસા રૅલી માટે અપીલ કરી હતી એમાં ૧૦,૦૦૦ જેટલા જૈનો સામેલ થવાની શક્યતા હતી. એની સામે ૨૫,૦૦૦થી વધુ જૈનો મુંબઈથી જ નહીં, આસપાસ, ગુજરાત અને મધ્ય પ્રદેશથી આવી પહોંચ્યા હતા અને તેમણે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. સખત ગરમી વચ્ચે સવારના નવથી બપોરના બે વાગ્યા સુધી આબાલવૃદ્ધ શ્રાવકો ઉપરાંત દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાયનાં મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી ભગવંતો પણ અહિંસક રૅલીમાં સામેલ થયાં હતાં.’

વિલે પાર્લે-અંધેરીમાં માનવમહેરામણ

અપેક્ષા કરતાં વધુ જૈનો અહિંસા રૅલીમાં સામેલ થવાથી વિલે પાર્લે અને અંધેરીમાં ગઈ કાલે માનવમહેરામણ જોવા મળ્યો હતો. બપોરના બે વાગ્યા સુધી વિલે પાર્લેથી અંધેરી વેસ્ટ અને ઈસ્ટ સુધીના રસ્તા પર સફેદ કપડાં પહેરવાની સાથે હાથ પર કાળી પટ્ટી બાંધીને વિવિધ પ્લૅકાર્ડ સાથે લોકો જોવા મળ્યા હતા.

અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

જૈન મંદિરને તોડી પાડવાનો આદેશ આપનારા અંધેરીના કે-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નવનાથ ઘાડગેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ વિશે ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું હતું કે ‘અમારી માગણી અધિકારીને સસ્પેન્ડ કરવાની હતી, પણ પહેલાં નવનાથ ઘાડગેની ટ્રાન્સફર કરવામાં આવી હતી. આથી વિધાનસભ્ય પરાગ શાહ અને મંગલ પ્રભાત લોઢાએ BMCના કમિશનર ભૂષણ ગગરાણીને ફોન કરીને ઘટતું કરવાનું કહ્યું હતું. આથી ટ્રાન્સફર બાદ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કમિશનરે આપ્યો હતો. એકતાની શક્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.  અહિંસા રૅલીમાં સામેલ થનારા તમામનો આભાર માનીએ છીએ. BMCએ જૈન મંદિર તોડી પાડ્યા બાદનો કાટમાળ હટાવવાની શરૂઆત કરી દીધી છે. તોડકામના સ્થળે ટેમ્પરરી શેડ બાંધીને ભગવાન પધરાવવામાં આવશે. ભગવાનની પધરામણી કરીને અહીં આજથી જ પૂજા-અર્ચના શરૂ કરવામાં આવશે. બાદમાં આ જ જગ્યાએ નવેસરથી જૈન મંદિર બાંધવામાં આવશે.’

જૈન સમાજના પ્રતિનધિઓ તેમ જ શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલ અને કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડે ગઈ કાલે અંધેરીના કે-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નવનાથ ઘાડગેને તેમની ઑફિસમાં મળીને નિવેદન આપ્યું હતું. તેમણે જૈન મંદિરના તોડકામ બાબતે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જૈનોના પ્રચંડ વિરોધ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીએ નવનાથ ઘાડગેને સસ્પેન્ડ કર્યા હતા. એ અધિકારીએ જ જૈન મંદિર તોડવાનો આદેશ આપ્યો હતો.

 

 

BJP, શિવસેના અને કૉન્ગ્રેસના નેતાઓ પહોંચ્યા

અહિંસક રૅલીમાં BJPના વિધાનસભ્યો પરાગ શાહ, મંગલ પ્રભાત લોઢા અને સ્થાનિક વિધાનસભ્ય પરાગ અળવણી તથા શિવસેનાના ગુજરાતી વિધાનસભ્ય મુરજી પટેલ અને કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડ પણ સામેલ થયાં હતાં. તમામ પ્રતિનિધિઓએ BMCની કાર્યવાહીનો વિરોધ કરીને સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

 

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news kutchi community brihanmumbai municipal corporation religious places vile parle