11 February, 2025 07:11 AM IST | Mumbai | Ruchita Shah
ગઈ કાલે જબલપુરથી આગળ ચા પીવા ઊભા રહેલા મુંબઈગરા.
ભયંકર ટ્રૅફિક જૅમના સમાચારો વચ્ચે ગઈ કાલે સાંજે મિડ-ડે સાથે વાત કરી ત્યારે તેમણે જબલપુરથી આગળ ૧૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રસ્તામાં જે રીતે ‘જયશ્રી રામ’ના ઝંડા સાથે ગાડીઓનાં ઝુંડ પ્રયાગરાજ તરફ ધસી રહ્યાં હતાં એ જોઈને મહાકુંભમાં પહોંચતાં પહેલાં જ તેઓ મહાકુંભને માણી રહ્યા છે
મહાકુંભમાં બાય રોડ નીકળેલા લોકોને ટેન્શન આવે એવી માહિતીઓ સોશ્યલ મીડિયા પર અત્યારે વાઇરલ છે. પ્રયાગરાજમાં પ્રવેશતા રૂટ પર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના રૂટથી આવી રહેલાં વાહનોની લાઇન વધી રહી છે, કારણ કે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની વર્તમાન સ્થિતિ જોતાં નવા શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજમાં પોતાની ગાડી સાથે આગળ વધવા માટે રાહ જોવી પડી રહી છે. કેટલાંક સ્થળોએ તો એવી હાલત છે કે પ્રયાગરાજ પણ દૂર અને ઘર પણ દૂર હોય એવી ન ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિ છે એવા સમયે મુંબઈના વિક્રોલીથી બે ગાડી લઈને નીકળેલા ૧૧ જણના ગ્રુપે આગળ વધવામાં જે તકલીફ પડે એ સહી લેવાની તૈયારી કરી લીધી છે. ગઈ કાલે સાંજે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જબલપુરથી આગળ પહોંચી ગયેલા આ ગ્રુપના સભ્ય દેવેન જોશીએ કહ્યું હતું કે ‘અત્યારે અમે જબલપુરથી ૧૦૦ કિલોમીટર આગળ પહોંચ્યા છીએ. આગળ મધ્ય પ્રદેશમાં રેવા પાસે ખૂબ જૅમ છે એવું અમને ત્યાંથી આવી રહેલાં વેહિકલ્સના લોકો પાસેથી જાણવા મળ્યું છે. જોકે અમને એક બીજો રૂટ મળ્યો છે જ્યાંથી ટ્રાફિક ઓછો હોય એવી સંભાવના છે. હવે એમાં આગળ વધીશું અને જ્યારે પહોંચાય ત્યારે પહોંચીશું, પણ ત્રિવેણીમાં ડૂબકી માર્યા વિના પાછા તો નહીં જ આવીએ.’
અહીં ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજથી હજી ૨૫૦ કિલોમીટર દૂર હોવા છતાં આ રોડ પર મહાકુંભનો માહોલ છલકાઈ રહ્યો છે. દેવેનભાઈએ કહ્યું કે ‘ઘણી ગાડીઓ છે જેના પર ‘જય શ્રીરામ’ના ઝંડા લાગેલા છે અને એ પ્રયાગરાજ તરફ કતારબંધ આગળ વધી રહી છે. કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ એમ ઘણાં રાજ્યોની ગાડીઓ મહાકુંભ તરફ આગળ વધતી હોય એવું દેખાઈ રહ્યું છે એટલે અમને તો અહીંથી જ મહાકુંભ જેવો માહોલ મળવાનું શરૂ થઈ ગયું છે. અમે અહીં ક્યાંય રોકાવાના નથી. જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી ગાડીમાં અને પછી ચાલીને સંગમ સુધી જઈશું, ત્યાં ડૂબકી મારીશું અને પછી પાછા નીકળી આવીશું.’
અમેરિકાનાં ગુજરાતી ડૉક્ટર વારાણસી ઍરપોર્ટથી સાત કલાકે પહોંચ્યાં પ્રયાગરાજ
અમેરિકાના ન્યુ યૉર્કથી એકલાં ખાસ મહાકુંભ અટેન્ડ કરવા આવેલાં ડૉ. અમિતા અમીન શનિવારે મહાકુંભ પહોંચ્યાં હતાં. ડાયરેક્ટ ફ્લાઇટ ન હોવાથી વારાણસીમાં લૅન્ડ થયા પછી કૅબમાં કુંભ પહોંચવામાં તેમને લગભગ આઠ કલાક લાગ્યા હતા. સામાન્ય રીતે ત્રણ-ચાર કલાકમાં પહોંચાતું હોય છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીમાં ડૉ. અમિતા કહે છે, ‘હું રાતે બે વાગ્યે પ્રયાગરાજ પહોંચી હતી અને કૅબવાળાએ મને જ્યાં ઉતારી ત્યાંથી મને ઑટોરિક્ષા મળી ગઈ એટલે મારે બહુ ચાલવું નહોતું પડ્યું. હા, ટેન્ટ શોધવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ટ્રાફિકની સમસ્યા તો ખેર બધાને થઈ રહી છે. અત્યારે જે માહોલ છે, જે રીતે પબ્લિક અહીં આવી રહી છે અને લોકોમાં જે ઉત્સાહ છે એ જોઈને એકેય અગવડ નડતી નથી. આ અનુભવ લાઇફટાઇમનો છે.’