કચ્છી સિનિયર સિટિઝનને આપ્યો પોલીસે સુખદ આંચકો

08 August, 2022 12:38 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

માટુંગા પોલીસે ફક્ત ત્રણ કલાકની અંદર તેમનો ટૅક્સીમાં ભુલાઈ ગયેલો આઇફોન સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી શોધી આપ્યો 

માટુંગા પોલીસે ફક્ત ત્રણ કલાકમાં કચ્છી સિનિયર સિટિઝનનો મોબાઇલ શોધી આપ્યો હતો

માટુંગામાં રામબાગ લેનમાં રહેતા અને નાણાંની દલાલીનું કામકાજ કરતા ૬૬ વર્ષના કચ્છી સિનિયર સિટિઝન શરદ શેઠિયા નામના સિનિયર સિટિઝન ટૅક્સી પકડીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટૅક્સીમાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલ ખોવાયા બાદ તેમને જરાય આશા નહોતી કે એ પાછો મળશે. જોકે પોલીસે ત્રણ કલાક સતત મહેનત કરીને સિમ-કાર્ડ તોડી નાખ્યું હોવા છતાં મોબાઇલ શોધીને આપ્યો હતો.

પોતાના સાથે બનેલા બનાવની વાત કરતાં શરદ શેઠિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા કામકાજને લઈને હું લોઅર પરેલની કેવલ ઇન્ડ​સ્ટ્રિયલ એસ્ટેટમાં તુલસી પાઇપ રોડ પર ગયો હતો. વરસાદનાં ઝાંપટાં પડવા લાગ્યાં હોવાથી હું ટૅક્સીમાં બેસીને ઘરે જવા નીકળ્યો હતો. મારા હાથમાં બે થેલી અને એક બૅગ હતી. કિંગ્સ સર્કલથી ટૅક્સી નીકળી ત્યારે બપોરે દોઢ વાગ્યે મારી પત્નીનો ફોન આવ્યો અને હું આવું છું એમ મેં કહ્યું. ફૂલગલીથી ટૅક્સી નીકળી અને મારા ઘર પાસે પહોંચી હતી. ટૅક્સીવાળાને પૈસા આપ્યા, પરંતુ છૂટા ન હોવાથી મેં બિલ્ડિંગના વૉચમૅન પાસેથી છૂટા માગ્યા અને તેને આપ્યા. જલદી-જલદીમાં મારો આઇફોન ટૅક્સીમાં રહી ગયો, પરંતુ મને એનો અંદાજ નહોતો. ઘરે રૂમાલ અને મોબાઇલ સાથે રાખવાની મારી આદત હોવાથી ફક્ત રૂમાલ મૂક્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મોબાઇલ ટૅક્સીમાં જ રહી ગયો. વિન્ડોમાંથી જોયું તો ટૅક્સી જતી રહી હતી. ત્યાર બાદ મોબાઇલ પર સતત ફોન કરતાં ટૅક્સીવાળાએ એકેય ફોન ઉપાડ્યો નહોતો અને થોડા વખત બાદ તો મોબાઇલ નૉટ-રીચેબલ આવી રહ્યો હતો.’

મોબાઇલમાં ખૂબ મહત્ત્વના નંબર અને માહિતી હોવાથી મને ચિંતા થવા લાગી હતી એટલે મેં પોલીસ-સ્ટેશનમાં જવાનું નક્કી કર્યું એમ જણાવીને શરદભાઈએ કહ્યું હતું કે ‘ત્યાં કોઈ ઓળખીતું હોય તો ધ્યાન આપશે એવો વિચાર આવતો હતો, પરંતુ એ વિચાર મૂકીને માટુંગા પોલીસ-સ્ટેશનમાં પહોંચી ફરિયાદ લખાવવી છે એમ નક્કી કર્યું. ત્યાં પોલીસે મારી પાસેથી બારીકાઈથી મોબાઇલ, ટૅક્સી અને એના ડ્રાઇવર વિશે માહિતી લીધી હતી. ટૅક્સી કાળી-પીળી હતી એ સિવાય મને કંઈ ખબર નહોતી. પોલીસે મને ટૅક્સીમાં ક્યાંથી બેઠા હતા અને કયા રૂટ પરથી ટૅક્સી ગઈ હતી એ તમામ માહિતી લીધી. ત્યાર બાદ મને સીસીટીવી ફુટેજના રૂમમાં લઈ જવાયો હતો. પોલીસે મને અમુક ફુટેજ દેખાડ્યાં અને જે ટૅક્સીમાં પાછળ કોઈ બેઠું હોય તો ઝૂમ કરીને જોતા હતા. એમાં મારા રૂટ પર એક ટૅક્સીમાં પાછળ બેસેલો પ્રવાસી દેખાતાં એ ઝૂમ કરીને જોયું તો હું જ હતો. પોલીસે ટૅક્સીનો નંબર શોધ્યો, પણ એ દેખાયો ન હોવાથી અન્ય દિશાના કૅમેરા તપાસ્યા અને એના પરથી ટૅક્સીનો નંબર મળ્યો હતો. પોલીસે મને કહ્યું, તમે જાવ, અમને મળશે તો જણાવીશું. એટલે હું ફરિયાદ કરીને દાદર ઑફિસે જવા નીકળ્યો. એ પછી થોડા વખત બાદ દીકરાના નંબર પર ફોન આવ્યો કે મોબાઇલ મળી ગયો છે, લઈ જાવ. મારા દીકરાએ મને જાણ કરતાં મેં તેને બે વખત પૂછ્યું કે આટલો જલદી મોબાઇલ મળી ગયો? પછી અમે પોલીસ-સ્ટેશને ગયા ત્યારે એ ટૅક્સીવાળો પણ ત્યાં બેઠો હતો. તેણે મોબાઇલમાંથી સિમ-કાર્ડ કાઢીને તોડી નાખ્યું હતું અને ફેંકી દીધું હતું. પોલીસે ટૅક્સીના નંબર પરથી આરટીઓની મદદથી મોબાઇલ મેળવ્યો હતો. પોલીસે ભારે જહેમત કરીને ફક્ત ત્રણ કલાકમાં મને મારો આઇફોન મેળવી આપ્યો એની નવાઈ લાગે છે.’

mumbai mumbai news matunga preeti khuman-thakur