બત્તી ગુલ, મીટર ચાલુ : માટુંગામાં મહામથામણ ઇલેક્ટ્રિસિટીની

26 June, 2026 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરની પારસી કૉલોની અને કિંગ્સ સર્કલમાં પણ એવા જ હાલ : વીજળી ન હોવાથી મોટર બંધ એટલે લોકોને પાણી પણ ન મળ્યું

પ્રતીકાત્મક તસવીર

૩ દિવસથી માટુંગાવાસીઓ ઇલેક્ટ્રિસિટી વિના હેરાન, બીમાર નેબ્યુલાઇઝર વિના ટળવળ્યા તો સિનિયર સિટિઝનોને દાદરા ચડ-ઊતર કરવા પડ્યા હોવાથી હેલ્થ ખરાબ, દાદરની પારસી 
કૉલોની અને કિંગ્સ સર્કલમાં પણ એવા જ હાલ : વીજળી ન હોવાથી મોટર બંધ એટલે લોકોને પાણી પણ ન મળ્યું

માટુંગા, કિંગ્સ સર્કલ અને દાદરના અમુક વિસ્તારોમાં ૨૪ કલાકથી વધુ સમયથી ઇલેક્ટ્રિસિટી ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એને કારણે ખાસ કરીને બાળકો, સિનિયર સિટિઝનો અને બીમાર લોકોને ખૂબ જ તકલીફ પડી હતી. દાદરની પારસી કૉલોનીમાં બુધવારે રાતે અને ગુરુવારે સવારે પણ ઇલેક્ટ્રિસિટી આવ-જા કરી રહી હતી. કિંગ્સ સર્કલમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી અને બુધવારથી વીજળી ગુલ રહી હતી. જોકે સૌથી વધુ સમસ્યા માટુંગાવાસીઓએ ભોગવવી પડી હતી, કારણ કે ત્યાં મંગળવાર રાતથી વીજળી ગુલ થવાની સમસ્યા શરૂ થઈ હતી. 

આ વિશે વિગતવાર માહિતી આપતાં માટુંગાનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહે ગઈ કાલે રાત્રે ‘મિડ-ડે’ને લોકોની હાલાકી વર્ણવતાં કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે સાડાઅગિયારથી પોણાબાર વાગ્યાની આસપાસ લાઇટ ગઈ હતી જે સવારે પોણાછ વાગ્યે આવી હતી. ફરી પાછી લાઇટ ગુલ થઈ ગઈ હતી અને બુધવારે મોડી રાત્રે પાછી આવી હતી. આજે ગુરુવારે પણ એ જ દશા છે અને રાત્રે દસ વાગ્યા સુધી તો લાઇટ નથી આવી. શ્રદ્ધાનંદ રોડ, ભાલચંદ્ર રોડ, માટુંગા માર્કેટ, જામે જમશેદ એરિયામાં હજી પણ લાઇટ નથી એને કારણે લિફ્ટ બંધ રહેતાં સિનિયર સિટિઝનો, બાળકો અને મહિલાઓએ દાદરા ચડીને આવ-જા કરવું પડ્યું હતું. બીમાર લોકો જેમણે નેબ્યુલાઇઝર લેવાનું હોય તેઓ પણ હેરાન થયા હતા. મોબાઇલ ચાર્જ ન થાય એટલે કોઈનો સંપર્ક પણ ન થાય અને અમુક લોકો જેમને ડાયાલિસિસ કે અન્ય મેડિકલ ઉપકરણોની જરૂર હોય તેઓ પણ હેરાન થયા હતા.’

ભૂતપૂર્વ નગરસેવિકાને BESTવાળા જવાબ નથી આપતા, સામાન્ય લોકોનું શું?
નેહલ શાહે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના અસિસ્ટન્ટ એન્જિનિયરને આ વાતની ફરિયાદ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘મેં તેમની સાથે વાત કરીને ઇલેક્ટ્રિસિટી જવાનું કારણ પૂછ્યું તો તેમણે બે ટ્રાન્સફૉર્મર્સ ખરાબ થઈ ગયાં હોવાનું જણાવ્યું હતું. એક વખત ફોન પર વાત કર્યા બાદ તેમણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. ભૂતપૂર્વ નગરસેવિકાને જો જવાબ નથી આપતા તો સામાન્ય લોકોને આ લોકો શું જવાબ આપશે.’

mumbai news mumbai matunga dadar brihanmumbai electricity supply and transport Crime News mumbai crime news