18 September, 2025 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માટુંગાના ઇલેક્ટ્રૉનિક આઇટમોના વેપારીના ઘરે નોકરી કરવા આવેલો ૧૯ વર્ષનો ગણેશ રાય ૩૦ લાખ રૂપિયાની રોકડ ઘરમાંથી લઈને નાસી ગયો હોવાની ફરિયાદ માટુંગા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ગણેશ નોકરીની શોધમાં હતો. એ દરમ્યાન ગુજરાતી પરિવારના સંપર્કમાં આવતાં તેને રહેવા અને ખાવાની સગવડ આપવામાં આવી હતી. જોકે શનિવારે પહેલા જ દિવસે તેણે ઘરના બેડરૂમમાં રહેલા પૈસા પર હાથ સાફ કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. શનિવારે ગણેશ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયો હતો.
માટુંગા પોલીસ-સ્ટેશનનાં પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રતિભા જોગલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુહુમાં રહેતા એક સંબંધી પાસેથી ગણેશ વિશે ફરિયાદીને માહિતી મળી હતી. તેના ઘરમાં એક નોકર કામ કરે છે. જોકે વધુ એક નોકરની જરૂર હોવાથી શુક્રવારે રાતે ગણેશને ઘરે બોલાવી તેને જમવાનું આપીને રહેવા માટે જગ્યા આપી હતી અને ઘરનું બધું કામ સમજાવવામાં આવ્યું હતું. શનિવારે સવારે રોજિંદા ક્રમ અનુસાર ફરિયાદી પોતાના કામે ચાલ્યો ગયો હતો. એ સમયે બન્ને નોકર ઘરે હતા. દરમ્યાન ફરિયાદીના પિતા બપોરે ૩ વાગ્યાની આસપાસ ઘરે પાછા ફર્યા ત્યારે બન્ને નોકરો ઘરે નહોતા. એ સમયે ઘરના બેડરૂમના ડ્રૉઅરમાં રાખેલા પૈસાની તપાસ કરતાં એ ચોરાયા હોવાની ખાતરી થઈ હતી. વધુ તપાસ કરવા સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરાનું ફુટેજ તપાસતાં ગણેશ શનિવારે બપોરે એક બૅગ લઈ જતો દેખાઈ આવ્યો હતો. અંતે ગણેશે જ ચોરીને અંજામ દીધો હોવાની ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આ મામલે આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.’