મારી દીકરીની ડેડ-બૉડી ક્યાં?

21 January, 2023 07:58 AM IST  |  Mumbai | Diwakar Sharma

નવેમ્બર ૨૦૨૧થી ગાયબ થયેલી બોઇસરની એમબીબીએસ સ્ટુડન્ટ સ્વદિચ્છાના પપ્પાએ પોલીસની તપાસ સામે જ સવાલ કર્યા : હત્યાકેસમાં પહેલાં ક્લીન-ચિટ આપીને કયા પુરાવાના આધારે હવે આરોપીની ધરપકડ કરી એવો પ્રશ્ન પણ કર્યો

એમબીબીએસની સ્ટુડન્ટ સ્વદિચ્છાની ડેડ-બૉડી શોધવા બાંદરા બૅન્ડ-સ્ટૅન્ડ નજીકના દરિયામાં જદ્દોજહદ કરી રહેલા નૌકાદળના ડાઇવર્સ અને નીચે સ્વદિચ્છાના પપ્પા મનીષ સાને. તસવીર: આશિષ રાજે, હનીફ પટેલ

મુંબઈ : મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે એણે નવેમ્બર ૨૦૨૧માં અપહરણ કરવામાં આવેલી એમબીબીએસની સ્ટુડન્ટના કેસને ઉકેલી લીધો છે. જોકે આ સ્ટુડન્ટના પત્રકાર પિતા કહે છે કે તપાસ કરી રહેલી પોલીસની ટીમે હજી સુધી તેમને અધિકૃત રીતે જાણ નથી કરી. બોઇસરમાં રહેતી સ્વદિચ્છા સાને મુંબઈ જેવા મહાનગરમાંથી ગાયબ થઈ જતી હોય તો અહીંની નાઇટલાઇફ ક્યારેય સફળ નહીં થાય.

૨૦૨૧ની ૨૯ નવેમ્બરે માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે એક મહિનાનું લાંબું વેકેશન માણ્યા બાદ બોઇસરમાં આવેલા ઘરેથી સ્વદિચ્છા જે. જે. હૉસ્પિટલમાં પરીક્ષા આપવા માટે નીકળી હતી, પરંતુ તે પરીક્ષા આપવા નહોતી પહોંચી અને બાંદરા રેલવે સ્ટેશને ઊતર્યા બાદ બૅન્ડ-સ્ટૅન્ડ ગઈ હતી જ્યાંથી તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. અહીં આરોપી લાઇફગાર્ડ મીઠ્ઠુ સિંહે સ્વદિચ્છા સાથે સેલ્ફી લીધો હોવાનું કહેવાય છે.

સ્વદિચ્છાના પિતા મનીષ સાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર મહિલાઓ માટે શહેર સલામત હોવાનો દાવો કરે છે અને મુંબઈ પોલીસે મહિલાની મદદ માટે નિર્ભયા સ્ક્વૉડ પણ બનાવી છે, પરંતુ તેમના દાવા પોકળ નીવડ્યા છે. તેઓ મારી દીકરીને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. મહિલાઓની સેફ્ટી ન હોય તો મુંબઈની નાઇટલાઇફ કેવી રીતે સફળ થઈ શકે?’

મુંબઈ પોલીસ દીકરીના અપહરણના કેસમાં ખોટી તપાસ કરી રહી હોવાનો આરોપ મૂકતાં મનીષ સાનેએ કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસે સપ્ટેમ્બર ૨૦૨૨માં આરોપી મીઠ્ઠુ સિંહની બ્રેઇન-મૅપિંગ, લાઈ ડિટેક્ટર ટેસ્ટ અને નાર્કો ઍનૅલિસિસ કર્યા બાદ ક્લીન-ચિટ આપી હતી. ત્રણ મહિના બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મને ફોન કર્યો હતો અને મારા દીકરા અને દીકરીના ડૉક્યુમેન્ટ્સ પર સહી કરવાનું કહ્યું હતું. પોલીસ કેસ બંધ કરવા માગતી હતી એટલે અમે કોઈ ડૉક્યુમેન્ટ્સ પર સહી નહોતી કરી અને પોલીસને કહ્યું હતું કે તે આવું કરશે તો બૉમ્બે હાઈ કોર્ટમાં જઈશું. હવે પોલીસ કહે છે કે તેણે કેસ ઉકેલી લીધો છે અને મીઠ્ઠુ સિંહ અને તેના મિત્ર જેના પર અમને પહેલા દિવસથી શંકા હતી તેમની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ મને કહી શકશે કે મારે આરોપીની બધી ટેસ્ટને માનવી કે પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી છે એ વાત માનવી?’

મનીષ સાનેએ વધુમાં સવાલ કર્યો હતો કે ‘જો મુંબઈ પોલીસ દાવો કરતી હોય કે તેણે મારી દીકરીની હત્યાનો કેસ ઉકેલી લીધો છે તો પુરાવા ક્યાં છે? ડેડ-બૉડી ક્યાં? રાજ્ય સરકાર મને કહેશે કે મુંબઈ પોલીસ તપાસની માહિતી મીડિયામાં લીક કરી દે છે, પણ મને આ બાબતે કોઈ જાણ નથી કરાતી? દીકરીનાં કપડાં સહિતની વસ્તુઓ ક્યાં છે? આજે તેઓ સમુદ્રમાં મૃતદેહ શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પણ ૨૦૨૧માં ૬થી ૧૩ ડિસેમ્બર દરમ્યાન બૅન્ડ-સ્ટૅન્ડથી લઈને રત્નાગિરિ સુધીના સમુદ્રમાં સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે કંઈ હાથ નહોતું લાગ્યું. કોસ્ટગાર્ડ, નૌસેના અને મુંબઈ પોલીસને એ સમયે કંઈ નહોતું મળ્યું તો અત્યારે તેઓ શું શોધી રહ્યા છે?’

ઉલ્લેખનીય છે કે આરોપી મીઠ્ઠુ સિંહે સ્વદિચ્છા સાનેની હત્યા કરીને મૃતદેહ બૅન્ડ-સ્ટૅન્ડમાં સગેવગે કરી દીધો હોવાનો દાવો પોલીસ કરી રહી છે. આરોપી મીઠ્ઠુ સિંહે તેના મૃતદેહને બૅન્ડ-સ્ટૅન્ડમાં સગેવગે કરી દીધો હોવાનું કબૂલ્યું છે એટલે પોલીસ તેને લઈને ગુરુવારે ઘટનાસ્થળે ગઈ હતી. આ કેસમાં તેની મદદ કરનારા અબ્દુલ જબ્બાર અન્સારીની પણ પોલીસે ધરપકડ કરીને તેના ઘરની તપાસ પણ કરી હતી. ગઈ કાલે પોલીસે નૌસેનાની મદદથી ફરી એક વખત સ્વદિચ્છા સાનેના મૃતદેહને શોધવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ કંઈ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news diwakar sharma