08 June, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
મીરા-ભાયંદર મહાનગરપાલિકા (Mira Bhayandar Municipal Corporation) દ્વારા સોમવારે વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાયંદર (Bhayandar) ઈસ્ટના ગોલ્ડ નેસ્ટ સર્કલ (Gold Nest Circle) વિસ્તારમાં આવેલી કથિત અનધિકૃત `નૂરી મસ્જિદ` (Noori Masjid) અને તેના પરિસરમાં આવેલા અન્ય ગેરકાયદે બાંધકામો પર વહીવટીતંત્રે બુલડોઝર ફેરવી દીધું છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત પોલીસ (Mumbai Police) બંદોબસ્ત અને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી સવારે અંદાજે ૫ વાગ્યે આ ડિમોલિશનની કામગીરી (MBMC demolishes Noori Masjid) શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં બેરિકેડ્સ લગાવીને લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબી વહીવટી પ્રક્રિયા અને ગેરકાયદે બાંધકામોની તપાસ બાદ આ સત્તાવાર આદેશ જારી કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલા રવિવારરે મોડી રાત સુધી વહીવટીતંત્ર અને મસ્જિદ સમિતિના સભ્યો વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા ચાલી હતી.
અહેવાલો અનુસાર, આ બેઠક બાદ સમિતિએ વહીવટીતંત્રને સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી અને ઓપરેશન શરૂ થાય તે પહેલાં જ પરિસરમાંથી પોતાની મહત્વની સામગ્રી અને સામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું. આ જ કારણસર, સવારે કોઈ પણ પ્રકારના વિરોધ વિના ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન પૂર્ણ કરાયું હતું.
ઘટનાસ્થળ પરથી વાયરલ થયેલા દ્રશ્યોમાં (Viral Video) પાલિકાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ભારે મશીનરી (જેસીબી/બુલડોઝર) દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવતા દેખાયા હતા.
નૂરી મસ્જિદ ઉપરાંત, મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC)એ તે જ વિસ્તારમાં આવેલા એક કથિત અનધિકૃત મંદિરના બાંધકામ સામે પણ તોડફોડની કાર્યવાહી હાથ ધરી હતી.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયા દરમિયાન બંને સમુદાયોએ વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેના કારણે સમગ્ર ઓપરેશન દરમિયાન શાંતિ જળવાઈ રહી હતી. જો કે, વહેલી સવારે જ્યારે ડિમોલિશન શરૂ થયું ત્યારે વિસ્તારમાં થોડા સમય માટે તણાવ જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ વ્યાપક પોલીસ ફોર્સ અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથેના યોગ્ય સંકલનને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ રહી હતી.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન (Mumbai Metropolitan Region - MMR)માં આવતા મીરા-ભાયંદર શહેરમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા દ્વારા ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ આ મામલે પુનરોચ્ચાર કર્યો છે કે ગેરકાયદે સ્ટ્રક્ચર્સ વિરુદ્ધનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
વહીવટીતંત્રે સાફ કર્યું છે કે બાંધકામ ધાર્મિક હોય કે બિન-ધાર્મિક, જો તે અનધિકૃત હશે તો તમામ સામે પક્ષપાત વિના સમાન રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન હિંસા, જાહેર સંપત્તિને નુકસાન કે કોઈને ઈજા થઈ હોવાની કોઈ ઘટના નોંધાઈ નથી.