16 September, 2025 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
ગયા અઠવાડિયે બૉમ્બે હાઈ કોર્ટને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. એ ઉપરાંત છેલ્લા ૬ મહિનામાં બૉમ્બથી ઉડાડી દેવાની ૪૫થી વધુ ધમકી પોલીસ કન્ટ્રોલરૂમને મળી હોવાનું જાણવા મળ્યું છે. આ ધમકી મળ્યા બાદ રાજ્યની વિવિધ સિક્યૉરિટી એજન્સીને કામે લાગતી જોઈ હવે મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસે પોલીસ કન્ટ્રોલરૂમમાં ખોટી ફરિયાદ કરનાર સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની શરૂઆત કરી છે. રવિવારે નાયગાંવમાં રહેતી મમતા મલિકે પાડોશીને પરેશાન કરવા પોલીસ કન્ટ્રોલરૂમમાં ખોટી ફરિયાદ કર્યાનું જાણવા મળતાં તેની સામે નાયગાંવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. એ ઉપરાંત નાલાસોપારામાં રહેતા શ્યામ સિંહે તેના વિસ્તારમાં બૉમ્બ હોવાની ખોટી માહિતી આપતાં તેની સામે પણ આચોલે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના એક ડેપ્યુટી પોલીસ કમિશનરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધમકીનાં સત્ર સતત ચાલુ રહ્યાં છે. આ ધમકી-સત્રોમાં અસામાજિક તત્ત્વોએ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને વિવિધ જગ્યાએ બૉમ્બ મૂક્યા હોવાની અને માહિતી આપી હતી. એ ઉપરાંત કેટલાક વિસ્તાર બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. એ સમયે તમામ પોલીસ-વિભાગ સહિત કેન્દ્રના સિક્યૉરિટી અધિકારીઓ કામે લાગી જાય છે. જોકે તેમની ફરિયાદમાં કોઈ તથ્ય ન જણાતાં અમુક સમયે ફોન કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આવા કેસને રોકવા માટે અમે પ્રયાસના ભાગરૂપે પોલીસ કન્ટ્રોલમાં બીજી કોઈ પણ ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ નોંધવાની શરૂઆત કરી છે. જો કોઈ વ્યક્તિ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને માહિતી આપશે અને પોલીસ-તપાસમાં એ માહિતી ખોટી નીકળશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 217 મુજબ સંબંધિત પોલીસ-સ્ટેશનમાં FIR નોંધવામાં આવશે.’
નાયગાંવમાં પાડોશી મહિલાને હેરાન કરવા કન્ટ્રોલરૂમમાં ફોન
નાયગાંવના અમોલનગરમાં રહેતી મમતા મલિકે શનિવારે મોડી રાતે પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે બાજુના ઘરમાં ખૂબ અવાજ આવી રહ્યો છે. ઘરમાં કાંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા છે એમ તેણે જણાવતાં નાયગાંવ પોલીસ વિભાગની બે ટીમ અમોલનગર પહોંચી હતી. એ સમયે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મમતાનો પાડોશમાં રહેતી મહિલા સાથે વિવાદ થયો હતો. તેને પરેશાન કરવા માટે તેણે પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો. એ પછી રવિવારે મમતા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.