31 August, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેએ દોડ લગાવીને તેમની ફિટનેસની ચુસ્તી-સ્ફૂર્તિ બતાવી હતી અને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
થાણે મેયર દ્વારા દર વર્ષે આયોજિત કરાતી વર્ષા મૅરથૉનમાં ગઈ કાલે જે બાળકોએ દોડ લગાવી ફિનિશ લાઇન ક્રૉસ કરી હતી તેમને આપવામાં આવતાં પાર્ટિસિપેશનનાં મેડલ અને સર્ટિફિકેટ ખૂટી પડતાં અનેક બાળકો અેનાથી વંચિત રહી ગયાં હતાં. બાળકોએ કરેલી મહેનત અને ઉત્સાહને બિરદાવવાને બદલે જ્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે તેમને તેમની સ્કૂલમાં મેડલ અને સર્ટિફિકેટ પહોંચાડવામાં આવશે ત્યારે તેમણે નિરાશ થઈને ત્યાં જ રસ્તા પર સ્ટેજ સામે બેસી જઈને વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું હતું. તેમણે તેમને મેડલ મળે એ માટે નારાબાજી પણ કરી હતી. તેમના વાલીઓ પણ ઊકળ્યા હતા કે બાળકો સાથે જ કેમ આવું વર્તન કરાયું? તેમ જ મૅરથૉન શરૂ થવાનો સમય ૬ વાગ્યાનો હતો પણ દોડ શરૂ કરાવવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મોડા પડતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો.
૨૧ કિલોમીટર દોડેલા અનેક પુરુષ અને મહિલા દોડવીરોને પણ મેડલ અને પાર્ટિસિપેન્ટ કર્યું છે અેનું સર્ટિફિકેટ ન મળતાં તે લોકો પણ ઑર્ગેનાઇઝર્સ પર ગિન્નાયા હતા. TMCના હેડક્વૉર્ટરમાં આ માટે ખાસ રૂમ બનાવ્યા હતા, બધા ત્યાં પહોંચ્યા હતા. દોડવીરોએ જ્યારે આ માટે ડિમાન્ડ કરી ત્યારે ઑર્ગેનાઇઝર સામે આવ્યા નહોતા અને સિક્યૉરિટી સ્ટાફને સામે ઊભો કરી દીધો હતો. દોડવીરોનું કહેવું હતું કે અમે મહેનત કરી છે તો અમને સર્ટિફિકેટ તો મળવું જોઈએ, તમે આવી કેવી રીતે ઑર્ગેનાઇઝ કરી શકો? એક દોડવીરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમે રજિસ્ટ્રેશનના પૈસા લો છો, મફતમાં નથી ઑર્ગેનાઇઝ કરતા. જો સર્ટિફિકેટ ન આપી શકતા હો તો ચાર્જ પણ ન કરો. એક કલાક સુધી તેમને રાહ જોવા કહેવાયું હતું પણ કોઈ જ સંતોષકારક જવાબ ન મળતાં તેઓ બધા જ ભડક્યા હતા.
તપાસ કરવાનું ઠાલું આશ્વાસન
એવું કહેવાય છે કે આ રીતે જોરાદાર વિરોધ થયા બાદ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ઑફિસરોએ ત્યાર બાદ દરમ્યાનગીરી કરી હતી અને આ કઈ રીતે થયું અેની તપાસ કરાશે અને ફિનિશ લાઇન ક્રૉસ કરનાર બધા જ પાર્ટિસિપેન્ટને સર્ટિફિકેટ અને મેડલ અપાશે એવું આશ્વાસન આપ્યા બાદ વિરોધ-પ્રદર્શન સમેટી લેવાયું હતું.
રજિસ્ટ્રેશન ચાર્જ લેવા છતાં નાસ્તા-પાણીની પણ વ્યવસ્થા ન હોવાની ફરિયાદો
એવા પણ આક્ષેપ થયા હતા કે દોડવીરોને પીવા માટેનું પાણી અને દોડ પતાવીને આવ્યા બાદ આપવામાં આવતો નાસ્તો પણ ઓછો પડ્યો હતો. જોકે એ બાબતે ખાસ કોઈએ ફરિયાદ કરી નહોતી. દોડવીરોને મેડલ અને સર્ટિફિકેટ કેમ ન અપાયાં એ બાબતનું ખરું કારણ જાણવા ‘મિડ-ડે’એ TMCના અૅડિશનલ કમિશનર મનીષ જોશીનો સંપર્ક કર્યો હતો. જોકે તેમણે ફોન પણ રિસીવ નહોતો કર્યો અને મેસેજનો પણ જવાબ આપ્યો નહોતો.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા આયોજિત વાર્ષિક રમતગમતના મુખ્ય કાર્યક્રમ વર્ષા મૅરથૉનમાં પ્રોફેશનલ રનર્સ, વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્યના રનર્સે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. TMCના હેડક્વૉર્ટર નજીક આ કાર્યક્રમને ગઈ કાલે વહેલી સવારે ફ્લૅગ ઑફ કરવામાં આવ્યો હતો. એમાં હાફ મૅરથૉન (૨૧ કિલોમીટર) અને ૧૦ કિલોમીટર રનનો સમાવેશ થતો હતો. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુખ્ય મહેમાન તરીકે દોડને લીલી ઝંડી આપવા માટે હાજરી આપી હતી. વરસાદથી ભીંજાયેલા ટ્રૅક પર નેવિગેટ કરતી વખતે સહભાગીઓનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા. એકનાથ શિંદેએ આ પ્રસંગે કહ્યું હતું કે વરસાદમાં પણ દોડવું એ ગતિશીલ થાણેનો સંદેશ આપે છે જે ક્યારેય આગળ વધવાનું બંધ કરતું નથી.