✕

૯૦ વર્ષની ઉંમરે પણ આ રેડિયોલૉજિસ્ટ દિવસના ૮૦-૧૦૦ જેટલા એક્સ-રેના રિપોર્ટ બનાવે છે

29 September, 2026 12:38 PM IST  |  Mumbai | Jigisha Jain

એક જનરેશન એવી છે જે કામ કરવાનું શરૂ કરે એ પહેલાં જ નિવૃત્તિનો વિચાર કરી રહી છે જ્યારે બીજી તરફ ડૉ. ગોવિંદ ઝંખારિયા જેવા લોકો છે જેમના માટે કામ બોજ નથી, તેમનું પીઠબળ છે

ડૉ. ગોવિંદ ઝંખારિયા

પ્રાર્થનાસમાજના ઝંખારિયા ઇમેજિંગ સેન્ટરમાં દરરોજ સવારે ૮.૩૦થી ૯ની વચ્ચે ૯૦ વર્ષના રેડિયોલૉજિસ્ટ ડૉ. ગોવિંદ ઝંખારિયા આવી જાય છે. બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં લગભગ ૮૦-૧૦૦ જેટલા એક્સ-રે તેમણે રીડ જોવાના હોય છે. એટલે એક્સ-રે કોઈ પાડી તો લે, પણ આ એક્સ-રે જોઈને વ્યક્તિને શું તકલીફ છે અને શું નહીં એનો રિપોર્ટ બનાવવાનું કામ આ ડૉક્ટર કરે છે. કેટલા બધા લોકો તો વર્ડ ઑફ માઉથ એટલે કે કોઈની ભલામણો સાંભળીને અહીં એક્સ-રે માટે બીજો ઓપિનિયન લેવા પણ આવે છે, કારણ કે તેમણે સાંભળ્યું છે કે આ ડૉક્ટરનું નિદાન ઘણું સચોટ હોય છે, પણ જ્યારે આ લોકો ડૉક્ટરને મળે છે ત્યારે તેમની ઉંમર જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. 

આમ તો સામાન્ય માણસો ૬૦-૬૫ વર્ષે નિવૃત્ત થઈ જતા હોય છે, પરંતુ ૯૦ વર્ષે માણસ કામ કરે અને પ્રવૃત્ત રહે એ ખરેખર બિરદાવવા જેવી વાત કહી શકાય. આ વિશે વાત કરતાં ડૉ. ઝંખારિયા કહે છે, ‘મને કોઈ દિવસ નિવૃત્તિનો વિચાર જ નથી આવ્યો. કામથી હું ત્રાસતો નથી. મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે કેટલું કામ કરવાનું હજુ? કામ મારા જીવનનું પીઠબળ છે. હું નથી માનતો કે કોઈ પણ વ્યક્તિએ તેનું કામ છોડવું જોઈએ. ખાસ કરીને શરીર અને મગજ બન્ને સાથ આપી રહ્યાં છે તો-તો બિલકુલ જ નહીં. અને એની બીજી બાજુ એ છે કે જો તમને કામ કરવું હશે અને તમે કરતા રહેશો તો શરીર અને મગજ બન્ને ચોક્કસ સાથ આપશે.’ 

મૂળ જામનગરના મિઠોઈ ગામના ડૉ. ગોવિંદ ઝંખારિયા વર્ષોથી કિંગ્સ સર્કલ પાસે રહે છે. દરરોજ બપોરે દોઢ વાગ્યા સુધી ક્લિનિક પર હોય છે. પછી ઘરે આવીને જમે છે. થોડો આરામ કરે છે. સાંજે કસરત, વૉક કે વાંચન જેવાં મનગમતાં કામોને સમય આપે છે. છેલ્લાં ૨૦ વર્ષથી તેમને બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ આવી છે, પણ બધું કન્ટ્રોલમાં છે. લાઇફ-સ્ટાઇલ એકદમ સરસ છે. ડાયટ એકદમ સિમ્પલ છે, પણ દરરોજ પ્રોટીન મિલ્ક શેક તેઓ ચોક્કસ લે છે. લોનાવલામાં પણ તેમનું ઘર છે એટલે લગભગ દર શનિ-રવિ ત્યાં તે જતા રહે છે. લોનાવાલામાં તેમણે એક બગીચો વિકસાવ્યો છે, જેમાં શાકભાજી તેઓ પોતે વાવે છે. ત્યાં તેમણે રીંગણ, મરચાં, મૂળા, લીંબુ, પપૈયું બધું વાવ્યું છે. એનું જતન કરવું તેમને ગમે છે. પત્ની નલિનીબહેન સાથે દર શનિ-રવિ લોનાવલા જવાનો પ્રોગ્રામ હોય, પણ જો ક્યારેક નલિનીબહેન ન આવી શકે તો તેઓ એકલા પણ લોનાવલા ફરી આવે છે. તેમને આ રૂટીન માફક આવી ગયું છે.  

ઝંખારિયા ઇમેજિંગ સેન્ટરમાં આવનારા લોકોની લગભગ ત્રીજી કે કેટલાક કેસમાં તો ચોથી પેઢીને આ ડૉક્ટરના અનુભવ અને તેમના જ્ઞાન પર પૂરો ભરોસો છે. એક કિસ્સો જણાવતા તેઓ કહે છે, “ઍલોપથીમાં નિદાન ખૂબ મહત્ત્વનું હોય છે. એક પરિવારમાં એક દીકરાને થાપાના હાડકાનું કૅન્સર નીકળ્યું. એ દરમ્યાન જ ઘરના એક મેમ્બરને છાતીમાં દુખાવો થયો અને તેમનો એક્સ-રે કાઢ્યો એમાં તેમને એક ડૉક્ટરે કહ્યું કે આમને છાતીમાં ગાંઠ જેવું દેખાય છે, કૅન્સરની શક્યતા હોઈ શકે છે. ઘરમાં એકસાથે બે વ્યક્તિને આ રોગ નીકળ્યો એમ સમજીને એ લોકો ખૂબ ગભરાઈ ગયા હતા. કોઈએ તેમને મારી પાસે મોકલ્યા. મેં ચેક કર્યું ત્યારે મેં તેમને કહ્યું કે કૅન્સર નથી નૉર્મલ ગ્રોથ છે જે તમને ક્યાંય નડતરરૂપ નથી એટલે ચિંતા નહીં કરો. આને અમારી ભાષામાં નૉર્મલ વેરિયેશન કહેવાય. એ દિવસે તેમને રાહત મળી એ જોઈને મને પણ રાહત મળી. અમારા પ્રોફેશનમાં ખાસ કરીને અનુભવની ઘણી કિંમત છે. દાક્તરી ભણવું એક બાબત છે અને વર્ષોથી દરદીઓઓને જોવાનો ને કામના અનુભવની ગણના બીજી બાબત છે, જે નિદાન બાબતે ઘણું મદદરૂપ થાય છે. બીજાં અમુક કામોમાં જ્યારે વૃદ્ધો કામ કરે ત્યારે લોકોને એવું હોઈ શકે છે કે આના કરતાં યુવાન વ્યક્તિ વધુ સારું કામ કરશે એવું તેમને લાગી શકે છે, પરંતુ અમારા કામમાં દરદી એવું જુએ છે કે આ ડૉક્ટરને વધુ અનુભવ છે તો આપણે તેમની પાસે જઈએ. મને આજ સુધી એક પણ વ્યક્તિ એવી નથી મળી જે કહે કે ના, મને કોઈ બીજા ડૉક્ટરને બતાવવું છે, આટલા વૃદ્ધને નહીં.’

પણ કોઈ તો તમને ક્લિનિક પર કહેતું જ હશે કે તમે ઘરે આરામ કરો, શું કામ હજુ પણ કામ કરવું છે? આ વાતનો જવાબ આપતાં ડૉ. ગોવિંદ ઝંખારિયા કહે છે, ‘હા, એવા એકાદ-બે લોકો મળ્યા છે. તેઓ કહે છે કે ૯૦ વર્ષે ઘરે આરામથી જીવો, શું જરૂર છે કામ કરવાની? ત્યારે હું તેમને હસતાં-હસતાં કહું છું કે ઘરે પત્નીને નડું એના કરતાં અહીં કામ કરું એ યોગ્ય છે; ઘરે નલિની મને કહે કે શાક લઈ આવો એના કરતાં અહીં બેસીને તારું નિદાન કરવાનું મને વધુ ગમશે. ખરેખર સાચી વાત એ છે કે વૃદ્ધાવસ્થામાં ઘણા લોકોને એ લાગણી હોય છે કે અમારી કોઈને જરૂર નથી. ઘરમાં બિચારા ઘરડા લોકો બધાને નડતા હોય છે. બધાનું પોતાનું જીવન છે. બધા વ્યસ્ત છે અને તમે બધાને હેરાન કરો એના કરતાં કામ કરીએ તો તમને આવા નકારાત્મક વિચારોય નહીં આવે કે કોઈને મારી જરૂર નથી. જે વ્યક્તિના એક્સ-રેનો રિપોર્ટ બનાવું છું એ વ્યક્તિને મારી જરૂર છે એ પાકી વાત છે. એટલે મનથી ખુશ રહેવું હોય તો કામ ચાલુ રાખવું જરૂરી છે.’

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news exclusive gujarati mid day