21 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેન્ક
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડ બાદ રિઝર્વ બૅન્કે એના પર નિયંત્રણો મૂકી દીધાં છે ત્યારે ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડના ખાતેદારોએ ગઈ કાલે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ઍડ્વાઇઝર અને બૅન્કના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી બૅન્કને વહેલી તકે રિવાઇવ કરવામાં આવે અથવા અન્ય બૅન્ક સાથે ભેળવી દેવામાં આવે એ માટે રજૂઆત કરી હતી.
ખાતેદારોના ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ ટી. એન. રઘુનાથે કહ્યું હતું કે ‘અમારું પ્રતિનિધિમંડળ બૅન્કના પ્રભાદેવીમાં આવેલા હેડ ક્વૉર્ટરમાં RBIના ઍડ્વાઇઝર રવીન્દ્ર ચવાણ અને રવીન્દ્ર સપ્રાને મળ્યું હતું અને રજૂઆત કરતાં કહ્યું હતું કે ખાતેદારોનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે ફરી એક વાર બૅન્કનું રાબેતા મુજબનું કામકાજ વહેલી તકે ચાલુ કરવામાં આવે. અમે બૅન્કને રિવાઇવ કરવા અને મર્જરના વિકલ્પ માટે પણ રજૂઆત કરી હતી. RBIના ઍડ્વાઇઝર્સે પણ એ માટે પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો હતો. તેઓ બૅન્કને રિવાઇવ કરવાનો વિકલ્પ, અન્ય બૅન્ક સાથે મર્જ કરવાનો વિકલ્પ વગેરે ચકાસી રહ્યા છીએ. જોકે હાલના તબક્કે શું નિર્ણય લેવાશે એ બાબતે તેમણે કશો ફોડ પાડ્યો નથી. ઍડ્વાઇઝરે આશ્વાસન આપ્યું હતું કે અમે જે લેખિત રજૂઆત કરી હતી એ તેઓ પોતાની ભલામણો સાથે RBIને આગળ મોકલશે.’
ફાઉન્ડેશને આ ઉપરાંત હાલ જે પૈસા વિધડ્રૉ કરવાની લિમિટ ૨૫,૦૦૦ રૂપિયા છે એ વધારીને ૧,૦૦,૦૦૦ રૂપિયા કરવા જણાવ્યું છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે ઓછી લિમિટને કારણે ખાતેદારોને હાલાકી પડી રહી છે અને ખાસ કરીને સિનિયર સિટિઝનો વધારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.