આવશ્યક વસ્તુઓની દુકાનોના સમયમાં નિયંત્રણને ઉઠાવી લેવાની વેપારીઓએ કરી ગવર્નરને રજૂઆત

30 July, 2021 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેર અને ઉપનગરોમાં અત્યંત આવશ્યક વસ્તુઓની દુકાનોના સમયમાં નિયંત્રણ હોવાથી અનાજનો પુરવઠો સમયસર પહોંચી શકતો નથી

ગવર્નરને ફૂલોનો બુકે આપી રહેલા એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરા (ગવર્નરની ડાબી બાજુ) અને ગ્રોમાના પદાધિકારીઓ

સરકારના બદલાતા વલણને લીધે નવી મુંબઈના વેપારીઓનો ૭૦ ટકા ધંધો ઘટી ગયો છે એટલે બજારના વેપારીઓ, ગુમાસ્તાઓ અને માથાડી કામગારોની બેરોજગારી વધી રહી છે. શહેર અને ઉપનગરોમાં અત્યંત આવશ્યક વસ્તુઓની દુકાનોના સમયમાં નિયંત્રણ હોવાથી અનાજનો પુરવઠો સમયસર પહોંચી શકતો નથી. આથી સરકાર આ નિયંત્રણ વહેલી તકે ઉઠાવી લે અને સમયને પૂર્વવત્ કરે એવી માગણી સાથે ગઈ કાલે ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પદાધિકારીઓ અને એપીએમસી માર્કેટના ડિરેક્ટર નીલેશ વીરાએ ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ બાબતની માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આની સાથે અનાજના વેપારીઓ અને કર્મચારીઓ કોરાનાના વિપરીત કાળમાં પણ લોકોને અનાજનો પુરવઠો સતત મળતો રહે એ માટે ખડેપગે ઊભા રહ્યા હતા. તેમનો ફ્રન્ટલાઇન વૉરિયર્સ તરીકે સમાવેશ કરીને વૅક્સિન આપવામાં પ્રાધાન્ય આપવું જોઈએ એવી માગણી પણ અમે ગવર્નર પાસે કરી હતી.’

mumbai mumbai news