20 November, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રો 1 ગઈ કાલે સાંજે પીક અવર્સમાં મોડી દોડી રહી હતી. ટેક્નિકલ કારણોસર વર્સોવા અને આઝાદનગર સ્ટેશન વચ્ચે ટ્રેનો મોડી પડી હોવાની ઘણા મુસાફરોએ સોશ્યલ મીડિયામાં ફરિયાદ કરી હતી તેમ જ સ્ટેશનો પર વધેલી ભીડના ફોટો અને વિડિયો પણ શૅર કર્યા હતા. મુંબઈ મેટ્રોએ આ અંગે સોશ્યલ મીડિયા પર અપડેટ આપી હતી તેમ જ આશરે ૩૦ મિનિટ બાદ ટેક્નિકલ ખામી ઉકેલાઈ જતાં ટ્રેનવ્યવહાર સામાન્ય થવાની પોસ્ટ પણ કરી હતી.
ટેક્નિકલ ખામીને કારણે અનેક સ્ટેશનો પર મુસાફરોની ભીડને કારણે યુઝર્સે સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કર્યા હતા. એક યુઝરે સાંજે ૫.૨૧ વાગ્યે જાણ કરી કે ટ્રેનો વર્સોવા તરફ જઈ રહી નથી. બીજા કોઈ યુઝરે ઉમેર્યું કે ડી. એન. નગર ખાતે ફક્ત એક જ ટ્રૅક કાર્યરત છે. અગાઉ ૩ નવેમ્બરે અંધેરી સ્ટેશન પર રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મુંબઈ મેટ્રો 1 થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. આ ખામીને કારણે ઘાટકોપર-વર્સોવા રૂટ પર પીક અવર્સ દરમ્યાન મુસાફરોને હાલાકી થઈ હતી.